અમદાવાદ પ્લેન ક્રેશ: 215 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 198 લોકોના મૃતદેહ સોંપાયા
Ahmedabad Plane Crash: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 279 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટના જણાવ્યા મુજબ, આજે ગુરુવારે (19 જૂન) સાંજના 5:45 વાગ્યા સુધીમાં 215 મૃતકોના DNA મેચ થઈ ચૂક્યા છે. જેમાંથી 198 મૃતદેહો પરિવારને સોંપાયા છે.
215 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા
સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આજે સાંજે 5:45 વાગ્યા સુધીમાં 215 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા છે. વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, 5 પરિવારો વહેલી સવાર સુધીમાં પાર્થિવ દેહ સોંપવામાં આવશે. 3 પરિવારો સાથે તંત્ર સંપર્કમાં છે, જ્યારે 9 પરિવારો અન્ય મૃતકોના DNA મેચની રાહ જોઈએ રહ્યા છે.
સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, 198 મૃતકોના પાર્થિવ દેહ પરિવારોને સોંપાયા છે, તેમાં 149 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 32 બ્રિટિશ નાગરિક, 01 કેનેડિયન તેમજ 9 નોન-પેસેન્જરનો સમાવેશ થાય છે. 15 જેટલા પાર્થિવ દેહને હવાઈ માર્ગે, જ્યારે 183 જેટલા દેહોને સડક માર્ગે તેમના નિવાસસ્થાને પહોચાડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 6 દર્દીઓમાંથી 1 ને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે, જ્યારે બાકીના 5 દર્દીઓનું આરોગ્ય સ્થિર છે.
આ પણ વાંચો: ઉપરવાસમાં વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ, પાણીની સપાટી 119.55 મીટર પહોંચી
ડૉ. રાકેશ જોશીએ ઉમેર્યું હતું કે, ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે. જેમ જેમ પરિણામો આવતાં જશે એમ એમ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે.