અમદાવાદ પ્લેન ક્રેશ: બોઈંગ કંપની પણ તપાસમાં જોડાઈ, જાણો નિષ્ણાતોની ટીમ કેવી રીતે કરશે તપાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Plane Crash : અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 વિમાન દુર્ઘટનાની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન બનાવનાર કંપની 'બોઇંગ'ની એક ટીમ પણ આજે રવિવારે (15 જૂન) અમદાવાદ આવી પહોંચી છે. જે ભારતીય તપાસ એજન્સીઓ સાથે મળીને દુર્ઘટનાના મૂળ કારણો સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરશે. ત્યારે આવો જાણીએ કે બોઈંગ કંપનીના નિષ્ણાતો અને અમેરિકન સરકારની ટીમ કેવી રીતે આ મામલાની તપાસ કરશે.
Ahmedabad Plane Crash LIVE: પૂર્વ CM વિજય રૂપાણીના DNA સેમ્પલ મેચ થયા, રાજકોટમાં થશે અંતિમ સંસ્કાર
બોઈંગ કંપનીની ટીમ કેવી રીતે તપાસ કરશે?
બોઈંગ વિમાનો બનાવતી કંપનીની ટીમ મુખ્યત્વે વિમાનના ટેકનિકલ પાસાં અને ડિઝાઇન સંબંધિત મુદ્દાની તપાસ કરશે. આ તપાસમાં નીચેના મુદ્દા મહત્ત્વના રહેશે.
બ્લેક બોક્સ ડેટાનું વિશ્લેષણ:
ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR)
ડેટા રેકોર્ડરમાં પ્લેનની ગતિ, ઊંચાઈ, એન્જિન થ્રસ્ટ, ફ્લૅપ પોઝિશન, ફ્યુઅલ લેવલ, અને અન્ય સેંકડો સિસ્ટમ પેરામીટર્સનો ડેટા હોય છે. બોઈંગના નિષ્ણાતો આ ડેટાનું વિશ્લેષણ કરીને પ્લેનના ક્રેશ પહેલાના છેલ્લા ક્ષણોમાં તેની કામગીરી કેવી હતી તે સમજવાનો પ્રયાસ કરશે.
કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR)
સીવીઆરમાં કોકપિટમાં પાયલટ્સ વચ્ચેની વાતચીત, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેની વાતચીત અને કોકપિટના અન્ય અવાજો રેકોર્ડ થાય છે. આનાથી પાયલટ્સ કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા અને તેમણે કેવા નિર્ણયો લીધા તે જાણી શકાશે. 'મે ડે' સંદેશ અને તેના જવાબનો અભાવ જેવા મુદ્દા CVR માંથી સ્પષ્ટ થઈ શકે છે.
પ્લેનના કાટમાળનું નિરીક્ષણ
બોઈંગના નિષ્ણાતો દુર્ઘટના સ્થળેથી એકત્ર કરાયેલા વિમાનના કાટમાળના દરેક નાના-મોટા ભાગનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરશે. તેઓ ખાસ કરીને એન્જિન, પાંખો, ફ્યુઝલેજ, કંટ્રોલ સરફેસ, અને અન્ય મહત્ત્વના પાસાંની તપાસ કરશે. તેમાં મેટલ ફટીગ, તિરાડો, બર્ન પેટર્ન, અને અન્ય ભૌતિક પુરાવાઓનું વિશ્લેષણ કરાશે, જેનાથી પ્લેનમાં કોઈ યાંત્રિક ખામી હતી કે નહીં તે ખબર પડશે.
મેન્યુફેક્ચરિંગ અને મેઇન્ટેનન્સ રેકોર્ડ્સની તપાસ
બોઈંગના નિષ્ણાતો વિમાનના ઉત્પાદન સંબંધિત તમામ રેકોર્ડ્સ એટલે કે ડિઝાઇન, ઘટકોની ગુણવત્તા, ઇન્સ્ટોલેશન સહિતના પાસાં પણ તપાસશે. તેઓ પ્લેનના નિયમિત મેઇન્ટેનન્સનો રેકોર્ડ્સ પણ ચકાસશે, જેથી કોઈ જાળવણી સંબંધિત ક્ષતિ રહી ગઈ હોય તો તે જાણી શકાય.
સિસ્ટમ અને ડિઝાઇન વિશ્લેષણ
ડ્રીમલાઇનર (બોઈંગ 787) એક અત્યાધુનિક અને કમ્પ્યુટરાઈઝ્ડ વિમાન છે. બોઈંગના નિષ્ણાતો પ્લેનની ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ, હાઇડ્રોલિક્સ અને અન્ય ઓનબોર્ડ સિસ્ટમ્સની ડિઝાઇન અને કામગીરીનું વિશ્લેષણ કરશે. જો કોઈ સોફ્ટવેર કે હાર્ડવેર સંબંધિત ખામી હશે, તો તે શોધવાનો પ્રયાસ કરશે.
લોડ ફેક્ટર અને વજન વિતરણ
બોઈંગ ટીમ પ્લેનમાં મુસાફરો અને કાર્ગોના વજન વિતરણની તપાસ કરશે. લોડ ફેક્ટરની ખોટી ગણતરી પણ પ્લેન ક્રેશનું કારણ બની શકે છે.
પર્યાવરણીય પરિબળોનો અભ્યાસ
તાપમાન, હવામાન અને અન્ય પર્યાવરણીય પરિબળોની પ્લેનના પ્રદર્શન પર શું અસર થઈ હોઈ શકે છે તે અંગે પણ તપાસ કરશે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ વિમાનની તપાસ માટે બોઈંગની ટીમ અને અમેરિકન એજન્સીઓ અમદાવાદમાં
નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની આ ટીમ ભારતીય તપાસ એજન્સીઓ સાથે સંકલનમાં રહીને કામ કરશે. આ સંયુક્ત તપાસનો મુખ્ય હેતુ દુર્ઘટનાના મૂળ કારણો શોધી કાઢવાનો અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સલામતીમાં સુધારા માટે ભલામણો કરવાનો છે.









