અમદાવાદના પાલડીમાં યુવકની હત્યા કેસમાં 7 આરોપીની અટકાયત, ત્રણ આબુથી ઝડપાયા
Ahmedabad Crime: અમદાવાદના પાલડી વિસ્તારમાં નૈષલ ઠાકોરના હત્યાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે આ ઘટનમાં 7 લોકોની અટકાયત કરી છે. જેમાંથી બે મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. મહત્ત્વનું છે કે, આ આરોપીઓમાંથી ત્રણને પોલીસે આબુથી ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચોઃ જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એક સાથે 6934 કેસોમાં થયું સમાધાન
સાત આરોપીની અટકાયત
મળતી માહિતી મુજબ, પાલડી વિસ્તારમાં બે દિવસ પહેલાં અજાણ્યા શખસોએ નંબર પ્લેટ વિનાની કારથી નૈષલ ઠાકોર નામના વ્યક્તિને કચડી દીધી હતો. ત્યારબાદ આ શખસો ગાડીમાંથી નીચે ઉતર્યા અને યુવકને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી તેની જાહેરમાં હત્યા કરી દીધી હતી. બે દિવસથી આ કેસને લઈને ચકચાર મચી હતી. જોકે, પોલીસે બે દિવસ બાદ આ ઘટનામાં 7 આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી ત્રણ આરોપી રાજસ્થાનના આબુમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. તેમજ બાકીના ચાર આરોપીને અમદાવાદ, ગાંધીનગરમાંથી પકડવામાં આવ્યા છે. પોલીસે આ તમામની પૂછપરછ હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ શાહવાડીના ઠાકોરવાસનો રહેવાસી જયેશ ઉર્ફે ચંદુ રાજુભાઈ ઠાકોર (24) અને ભાવિક ઉર્ફે ભોલુ ધનજીભાઈ મકવાણા (21) તરીકે થઈ છે.ક્રાઇમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવાર મોડી રાત્રે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીના આધારે ઝડપી ઓપરેશન કરીને બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. રવિવારે તેમને પાલડી પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને વધુ તપાસ માટે ઔપચારિક રીતે સોંપવામાં આવ્યા હતા.
એક વરિષ્ઠ અધિકારીએ ગુજરાત સમાચાર ડિજિટલને જણાવ્યું હતું કે, "આ ધરપકડ આ કેસમાં એક મહત્ત્વપૂર્ણ સફળતા છે." તેમણે ઉમેર્યું હતું કે, આ બંને આરોપીઓને સોમવારે વધુ પોલીસ કસ્ટડી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. અધિકારીઓએ જણાવ્યું કે, જયેશ અને ભાવિકની પૂછપરછમાં હત્યાના ષડયંત્રમાં તેમની ભૂમિકા અને અન્ય સંભવિત સાથીદારોની ઓળખ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પોલીસ હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારોના સ્ત્રોતની પણ તપાસ કરી રહી છે.
જૂની અદાવતમાં કરાઈ હત્યા?
પોલીસનું માનવું છે કે, 12મી સપ્ટેમ્બરના રોજ નૈષલ ઠાકોર પર પાલડીમાં જાહેરમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જે જૂની અંગત અદાવતનું પરિણામ હતું. આ હુમલામાં ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.નોંધનીય છે કે, મૃતક નૈષલ અને શૈલેષ ઠાકોર વચ્ચે ગેરકાયદે ધંધાના મામલે આંતરિક વિખવાદ ચાલતો હતો. જેમાં સાબરમતી નદીમાં ગેરકાયદે રેતખનન કરતા ડમ્પરને પ્રોટેક્શન આપીને નાણાં ઉઘરાવવા બાબતે વાંધો ચાલી રહ્ય હતો. તેમજ મૃતકના કેટલાંક સ્પા સેન્ટર સાથેના સંપર્કનો પણ ખુલાસો થયો છે. આ ઉપરાંત, સટ્ટા બેટિંગના મામલે પણ નૈષલને શૈલેષ ઠાકોર સાથે તકરાર ચાલતી હતી. તેથી આ હત્યા જૂની અંગત અદાવતમાં થઈ હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતના 194 માછીમારો 5 વર્ષથી પાકિસ્તાની જેલોમાં સબડે છે, સરકારનું ઉદાસિન વલણ
શું હતી ઘટના?
મળતી માહિતી અનુસાર, શહેરના પાલડી વિસ્તારમાં અંજલી ઓવરબ્રિજ નીચે નૈસલ ઠાકોરની હત્યા કરવામાં આવી છે. શુક્રવારે (12મી સપ્ટેમ્બર) વહેલી સવારે એક કારમાં આવેલા અજાણ્યા શખસો નૈસલ ઠાકોરને ટક્કર મારી. ત્યારબાદ કારમાંથી ઉતરીને અજાણ્યા શખસોએ નૈસલ ઠાકોરને છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા નૈસલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો,પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.