અમદાવાદ: ડરેલા હાવભાવવાળા વૃદ્ધાએ 33 લાખની FD તોડાવી, બેન્ક સ્ટાફને શંકા જતાં 'ડિજિટલ અરેસ્ટ'થી બચાવ્યા

Ahmedabad Digital Arrest Case: અમદાવાદમાં સાયબર ક્રાઇમ બ્રાંચ અને બેંક ઓફ બરોડા (મણિનગર શાખા)ના સ્ટાફની સમયસરની સતર્કતાથી મોટી નાણાકીય છેતરપિંડી ટળી છે. એક વરિષ્ઠ નાગરિક મહિલાને વોટ્સએપ કોલ દ્વારા 'ડિજિટલ અરેસ્ટ'ના નામે ધમકાવી, તેમની રુપિયા 33,35,000ની FD તોડાવીને શંકાસ્પદ ખાતામાં જમા કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બેંક મેનેજર અને અધિકારીએ તુરંત સાયબર ક્રાઇમને જાણ કરતા, પોલીસ બેંકમાં પહોંચી હતી અને વૃદ્ધાનું કાઉન્સલિંગ કર્યું હતું. સમયસરની કાર્યવાહીથી મહિલાના જીવનભરની કમાણી સુરક્ષિત રહી હતી. સાયબર ગઠિયાઓ પોતાના પ્લાનમાં નિષ્ફળ નીવડ્યા હતા.
વૃદ્ધ મહિલા અત્યંત ડરેલી હાલતમાં હતા
બેંક ઓફ બરોડા, મણિનગર શાખાના મેનેજર અને અધિકારી તેમની ફરજ પર હાજર હતા, તે દરમિયાન તેમણે એક વૃદ્ધ મહિલાને અત્યંત ડરેલી હાલતમાં જોયા. મહિલા તેમની રુપિયા 33,50,000 જેટલી રકમને કોઈ શંકાસ્પદ ખાતામાં ટ્રાન્સફર કરાવવા માટે ઉતાવળમાં હતા. બેંક સ્ટાફને તેમની પરિસ્થિતિ અને ચહેરા પરનો ડર જોઈને તુરંત જ કંઈક અયોગ્ય હોવાની શંકા ગઈ. તેમણે તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો.
'ડિજિટલ અરેસ્ટ' થયા હતા, માનવા તૈયાર ન હતા
વૃદ્ધા 'ડિજિટલ એરેસ્ટ'ની ઘટનાની અજાણ હતા, થોડા સમય માટે બેન્કના કર્મચારીઓ પર પૈસાની લેણદેણ બાબતે તેઓ ગુસ્સે ભરાયા હતા. વૃદ્ધા કોઈ પણ બાબતે સમજવા તૈયાર ન હતા અને પૈસા ટ્રાન્સફર કરી દેવાનું રટણ કરતાં હતા. બાદમાં તેમણે બેન્કના મહિલા કર્મચારી સાથે રકઝક પણ કરી હતી. પોલીસે વૃદ્ધાને શાંત કરી સમજાવ્યા હતા. બેન્ક સ્ટાફ સાથે રામાયણ કરતી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

વૃદ્ધાને ડરાવી-ધમકાવીને 'ડિજિટલ અરેસ્ટ'ની ધમકી
પોલીસ ટીમે વૃદ્ધાનું કાઉન્સલિંગ શરૂ કર્યું. કાઉન્સલિંગ દરમિયાન બહાર આવ્યું કે વૃદ્ધાને વોટ્સએપ કોલ પર ધમકાવવામાં આવી રહ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે અને તે એકાઉન્ટોમાં સાઇબર ક્રાઇમ દ્વારા છેતરપિંડી કરાયેલા પૈસા જમા થયા છે. ગુનેગારોએ તેમને ડરાવી-ધમકાવીને કાયદેસરની કાર્યવાહી અને 'ડિજિટલ અરેસ્ટ'ની ધમકી આપી હતી. આ ધમકીથી ડરીને, મહિલા તેમની રૂપિયા 33,35,000ની મરણમૂડીને ગુનેગારો દ્વારા આપવામાં આવેલા અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરવા માટે બેંકમાં આવ્યા હતા.
'ડિજિટલ અરેસ્ટ' જેવી કોઈ વ્યવસ્થા નથી
પોલીસ અને બેંક સ્ટાફના સહિયારા પ્રયાસથી વૃદ્ધ મહિલાને સમજાવવામાં આવ્યું કે કાયદાકીય રીતે 'ડિજિટલ અરેસ્ટ' જેવી કોઈ વ્યવસ્થા નથી. કોઈ પોલીસ અધિકારી કે ન્યાયાધીશ ક્યારેય પણ WhatsApp પર કોલ કરીને નાણાં જમા કરાવવા માટે કહેતા નથી. સમયસરની સમજણ અને સાયબર ક્રાઇમ બ્રાંચની સતર્કતાના કારણે મહિલાને ગુનેગારોની જાળમાંથી બહાર કાઢવામાં આવ્યા અને આખી રકમ ગુનેગારના એકાઉન્ટમાં જતી અટકાવવામાં આવી. વૃદ્ધાએ બેંક સ્ટાફ અને પોલીસનો આભાર માન્યો હતો.

