Panchmahal News: એક સાથે 29 તલાટીઓની બદલી કરી દેવાતા પંચમહાલ તલાટી બેડામાં ફફડાટ વ્યાપ્યો છે. જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના તલાટી દ્વારા આચરાયેલ કથિત લગ્ન નોંધણી કૌભાંડને ધ્યાનમાં રાખીને આ કડક પગલાં લેવામાં આવ્યા છે. જો કે પંચમહાલ જિલ્લા તંત્રએ વહીવટી કારણ આપી બદલી કરી હોવાનું જણાવ્યું છે.
7 તાલુકામાંથી 29 જેટલા તલાટીઓની બદલી
પંચમહાલ જિલ્લા તંત્રના જવાબદાર અધિકારીએ બદલીની માહિતી આપતાં જણાવ્યું કે 'જિલ્લા વિકાસ અધિકારીની સૂચના બાદ પંચમહાલ જિલ્લાના 7 તાલુકામાંથી 29 જેટલા તલાટીઓની બદલી કરાઈ છે. વહીવટી કારણોસર આ બદલી કરવામાં આવી છે. વહીવટમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે જે તલાટીઓ છેલ્લા 5 વર્ષથી એક જ સ્થળ પર ફરજ બજાવતા હતા તેમની બદલી કરવામાં આવી છે.' પંચમહાલના તાલુકા પ્રમાણે તલાટીની બદલી પર નજર કરીએ તો ગોધરામાંથી 3 તલાટી, જાંબુઘોડાના 1, કાલોલના 8, હાલોલના 4 અને ઘોઘમ્બા તાલુકાના 11 તથા મોરવા હડફના 2 તલાટીની બદલી કરાઈ છે.
બદલી કરાયેલ તલાટીઓ કેટલા વર્ષથી એક જ સ્થળ પર હતા?
- 10 વર્ષથી વધારે-3 તલાટી
- 9 વર્ષથી વધારે-3 તલાટી
- 8 વર્ષથી વધારે-8 તલાટી
- 7 વર્ષથી વધારે-6 તલાટી
- 5 વર્ષથી વધારે-9 તલાટી
શું છે બોગસ લગ્ન નોંધણી કૌભાંડ?
આ સમગ્ર પ્રકરણની શરુઆત કણજી પાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી અર્જુન મેઘવાલના એક વાયરલ વીડિયોથી થઈ હતી. વીડિયોમાં તલાટી પોતે કબૂલાત કરતો જોવા મળ્યો હતો કે તેણે એક જ વર્ષના સમયગાળામાં અંદાજે 2000 જેટલા લગ્નની નોંધણી કરી છે. તેણે જણાવ્યું હતું કે તે એક લગ્ન નોંધણી દીઠ રૂ. 2500 લેતો હતો. આ રીતે તેણે કુલ રૂ. 50 લાખની ગેરકાયદેસર કમાણી કરી અને તેમાંથી રાજસ્થાનમાં જમીન પણ ખરીદી છે. પટેલ સમાજના એસપીજી ગ્રૂપના અધ્યક્ષ લાલજી પટેલે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં આવીને ખોટી રીતે લગ્ન નોંધણી કરાવી રહ્યા છે.
મીડિયા અહેવાલો અને વીડિયોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વિકાસ અધિકારીએ તલાટી અર્જુન મેઘવાલને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો અને તપાસના આદેશ આપ્યા હતા. કણજી પાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલની પોલીસે ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન તલાટીએ આ કૌભાંડથી કમાયેલા રૂ. 50 લાખની કબૂલાત કરી છે અને સરકારી દસ્તાવેજો પોતાના મિત્રના ઘરે સંતાડ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો, જેના આધારે પોલીસે દરોડા પાડીને તમામ રૅકોર્ડ કબજે કર્યા હતા. જે બાદ આજે (13 ડિસેમ્બર) એક સાથે 29 તલાટીની વહીવટી કારણોસર બદલી કરી દેવાતા ચકચાર મચી છે.


