અમદાવાદમાં અસામાજિક તત્ત્વો બેફામઃ ખોખરામાં અંગત અદાવત રાખી જાહેરમાં યુવકની હત્યા
Image: Freepik |
Ahmedabad Crime: અમદાવાદમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે અને જાણે તેમને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે. શહેરમાં અવાર-નવાર આવા અસામાજિક તત્ત્વો પોતાના કૃત્યો અને ગુનાખોરીથી પોલીસને પડકાર ફેંકતા જોવા મળે છે. જોકે, આવો જ એક કિસ્સો ફરી એકવાર ખોખરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં પાંચથી છ લોકો દ્વારા અંગત અદાવત રાખીને યુવકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી.
શું હતી ઘટના?
અમદાવાદના ખોખરા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને રવિ ખટિક નામના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. મંગળવારે (1 જુલાઈ) મોડી રાત્રે પાંચથી છ યુવકો લાકડી લઈને આવ્યા છે અને રવિ નામના વ્યક્તિને ઢોર માર મારવા લાગ્યા હતા. જ્યાં સુધી યુવકે દમ ન તોડ્યો ત્યાં સુધી યુવકને માર મારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, આ પહેલાં યુવકનો માર મારવા આવેલા ટોળા સાથે કોઈ બાબતે વિવાદ થયો હતો જેની અદાવત રાખીને તેની હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત, જાણો આગામી સપ્તાહનું હવામાન કેવું રહેશે
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર ઘટનાની જાણ થતા ખોખરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે તપાસ માટે અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ સિવાય પોલીસે પુરાવા સ્વરૂપે આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને લોકોના નિવેજદનો મેળવ્યા હતા. હાલ, પરિવારજનોની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.