ગાંધીનગરમાં માસૂમના મોત બાદ પણ પાલિકા બેદરકાર, કરોડોના બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં સુરક્ષાના નામે મીંડું
GMC Beautification Project Fail in Safety Test : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હાલ કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફિકેશનના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ સુરક્ષાને નામે મીંડુ સાબિત થયા છે. મંગળવારે ગાંધીનગરના સેક્ટર-1માં GMC નિર્મિત તળાવમાં 8 વર્ષના માસૂમ કુલદીપ ભરવાડના દુઃખદ મોત બાદ પણ મહાનગરપાલિકા તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આ તળાવ GMC દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ બનાવાયું હતું. જ્યાં સુરક્ષા અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. જીએમસી દ્વારા અહીં ન તો બેરીકેટિંગ છે, નાતો કોઇ ચોકીદાર બેસાડવામાં આવ્યો છે. જીએમસીની બેદરકારી ઉડીને આંખે વળગી રહી છે.
ગાંધીનગર શહેરમાં હાલ છેલ્લા ઘણા સમયથી નાગરિકો કોર્પોરેશનની કામગીરીથી નારાજ છે અને સેક્ટરોમાં સર્જાયેલી સ્થિતિને પગલે ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ દ્વારા કોર્પોરેશન તંત્રની ઝાટકણી કાઢવામાં આવી હતી, પરંતુ તંત્ર હજી સુધરવા જ ના માંગતું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં તંત્રના પાપે 7 વર્ષના માસૂમ બાળકે જીવ ગુમાવ્યો, ગઈકાલે સાંજે પડી ગયો હતો ખાડામાં
મૃતક બાળકના પરિવારજનો અને સ્થાનિક રહીશો દ્વારા મનપાની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. તળાવ પાસે કોઈ ચેતવણી બોર્ડ કે બાંધકામ નથી અને ઘટના બાદ પણ મનપા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકો દ્વારા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જવાબદારી નિભાવવાની માંગ કરવામાં આવી હોવાની પણ માહિતી છે.
કાર્યવાહી કરવાનું રટણ
આ મામલે ગાંધીનગર મેયરે આ ઘટનાને લઇને દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ઘટનાની તપાસ કરવામાં આવશે અને જવાબદાર અધિકારી કે એજન્સી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનું રટણ કરવામાં આવી રહ્યું છે.
આ ઘટના બાદ સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરતું કોર્પોરેશન એક સિક્યુરિટી ગાર્ડ નહીં મૂકી શકતા આ સ્થિતિ સર્જાઇ હોવાનું લોકો જણાવી રહ્યા છે. ત્યારે હાલ જવાબદારો સામે કાર્યવાહી થશે તેવું રટણ રટવામાં આવી રહ્યું છે.
આ મુદ્દે પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે કે ગાંધીનગર મનપા હજુ શેની રાહ જોઈ રહી છે? શું વધુ દુર્ઘટનાઓ પછી જ જવાબદારી નિભાવાશે? આ ઘટના માત્ર એક બાળકના મોતની નથી પરંતુ શહેરના નાગરિકોની સુરક્ષા પ્રત્યેના ગાંધીનગર મહાનગર પાલિકાના દ્રષ્ટિકોણની પણ છે.