અમદાવાદમાં ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો: WhatsApp 'શેર ટ્રેડિંગ' સ્કેમમાં પિતા-પુત્રએ ₹15.65 લાખ ગુમાવ્યા

WhatsApp ‘share trading’ scam in Ahmedabad: ઓનલાઈન રોકાણના નામે ચાલતા ડિજિટલ કૌભાંડોમાં વધુ એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા 54 વર્ષીય એક વેપારી અને તેમના પુત્રને નકલી 'શેર ટ્રેડિંગ' WhatsApp ગ્રૂપ દ્વારા કુલ રૂ. 15.65 લાખની માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સમગ્ર મામલે અમદાવાદ સાયબર સેલે ફરિયાદ નોંધીને ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે તપાસ શરૂ કરી છે.
ફેસબુક રીલથી WhatsApp ગ્રૂપ સુધી
પાલડીના રહેવાસી ફરિયાદી હસીબ ગુલામ અક્કીસવાલાએ નોંધાવેલી FIR મુજબ, જુલાઈ મહિનાના અંતમાં તેઓ એક ફેસબુક રીલ પર આવેલા 'શેર માર્કેટ ટ્રેનિંગ'ની લિંક પર ક્લિક કરીને છેતરપિંડીની જાળમાં ફસાયા હતા. આ લિંક તેમને "Trustline Research Hub - VIP 1055" નામના WhatsApp ગ્રૂપમાં લઈ ગઈ. આ ગ્રૂપમાં નિયમિતપણે સ્ટોક અને IPO રોકાણમાં દૈનિક ઊંચા નફાના દાવા કરતા મેસેજ શેર કરવામાં આવતા હતા, જેથી નવા સભ્યોને રોકાણ કરવા માટે પ્રેરિત કરી શકાય.
આ કૌભાંડી ગ્રૂપનું સંચાલન કથિત રીતે પ્રોફેસર વિનય ગુપ્તા અને લક્ષ્મી પ્રિયા પાંડા નામના વ્યક્તિઓ કરતા હતા. જેમણે પોતાને 'ટ્રસ્ટલાઇન સિક્યોરિટીઝ'ના પ્રતિનિધિ તરીકે રજૂ કર્યા હતા. સભ્યોને રોકાણ માટે TFHLTSR નામની એક એપ દ્વારા ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવા માટે કહેવામાં આવ્યું હતું, જે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ હતી અને વાસ્તવિક ટ્રેડિંગ પ્લેટફોર્મની નકલ કરતી હતી.
શરૂઆતમાં હસીબ અક્કીસવાલાએ રોકાણના હેતુથી કેટલાક બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તેમને એક નાનું વિડ્રોલ (₹2,500) સફળતાપૂર્વક મળ્યું, જેનાથી તેમને સિસ્ટમ સાચી હોવાનો વિશ્વાસ થયો હતો.
પિતા-પુત્ર દ્વારા કુલ ₹16.02 લાખનું રોકાણ
નાના વિડ્રોલથી પ્રેરાઇને હસીબભાઈએ GPay, NEFT અને IMPS દ્વારા જુદા જુદા બેંક ખાતાઓમાં તબક્કાવાર કુલ રૂ.14.02 લાખ જમા કરાવ્યા. તેમના પુત્ર હમ્માદ અક્કીસવાલાએ પણ પાંડા દ્વારા ગ્રૂપમાં ઉમેરાયા બાદ વધુ ₹2 લાખનું રોકાણ કર્યું. આમ કુલ રોકાણ રૂ. 16.02 લાખ થયું હતું, જોકે FIR માં છેતરપિંડીની રકમ રૂ. 15.65 લાખ દર્શાવવામાં આવી છે.
નફાના નામે 'SEBI ટેક્સ'ની માંગણી: ઠગાઈનો પર્દાફાશ
ફરિયાદીના ટ્રેડિંગ એકાઉન્ટમાં એપ દ્વારા રૂ.45 લાખથી વધુનો કાલ્પનિક નફો દર્શાવવામાં આવ્યો હતો. જોકે, જ્યારે તેમણે આ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે છેતરપિંડી કરનારાઓએ અચાનક વિડ્રોલ પ્રક્રિયા રોકી દીધી અને 'કમિશન' તરીકે વધારાના ₹7.07 લાખની માંગણી કરી, જેને તેઓએ SEBI-આદેશિત ટેક્સ ગણાવ્યો.
હસીબભાઈએ વધુ પૈસા આપવાનો ઇનકાર કરતાં જ તેમનું ટ્રેડિંગ એકાઉન્ટ તાત્કાલિક બ્લોક કરી દેવામાં આવ્યું અને ગ્રૂપ એડમિન સાથેના તમામ સંદેશાવ્યવહાર બંધ થઈ ગયા. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં, પિતા-પુત્રએ 9 સપ્ટેમ્બરના રોજ નેશનલ સાયબરક્રાઇમ હેલ્પલાઇન (1930) પર ફરિયાદ નોંધાવી.
અમદાવાદ સાયબર સેલે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ કૌભાંડીઓએ નકલી SEBI રજિસ્ટ્રેશન વિગતો, બનાવટી વેબસાઇટ્સ અને મેનીપ્યુલેટેડ ટ્રેડિંગ ડેશબોર્ડ્સનો ઉપયોગ કરીને રોકાણકારોને છેતર્યા હતા.
એક વરિષ્ઠ સાયબરક્રાઇમ અધિકારીએ જણાવ્યું હતું કે, 'આ પ્રકારના સ્કેમમાં ગ્રૂપને પ્રોફેશનલ દેખાડવા, અસલી દસ્તાવેજો શેર કરવા અને વિશ્વાસ બેસે તે માટે નાના વિડ્રોલની છૂટ આપવાની પેટર્ન જોવા મળે છે. નાગરિકોએ 'ગેરન્ટેડ નફો' કે 'ઓછી મહેનતે વધુ કમાણી' ઓફર કરતા કોઈપણ ઓનલાઈન ગ્રૂપ કે વ્યક્તિથી સતર્ક રહેવું જોઈએ.'
પોલીસ હાલમાં ફરિયાદી દ્વારા સોંપવામાં આવેલા સ્ક્રીનશોટ્સ અને ચેટ રેકોર્ડ્સ તેમજ બેંક ટ્રાન્ઝેક્શન્સનું વિશ્લેષણ કરી રહી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અને રાજ્ય બહારથી ઓપરેટ કરી રહેલા શકમંદોની ઓળખ અને નાણાકીય લેવડદેવડના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચાલુ છે.