અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી SCએ ફગાવી, ધરપકડની શક્યતા

SC Rejected Rajdeepsinh Jadeja Bail: રીબડાના ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં એક વધુ મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી છે, કારણ કે તેમની આગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
ગોંડલ સેશન કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજીને ફગાવી દેતા તેમને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને યથાવત રાખવાનો હુકમ કર્યો છે.
રાજદીપસિંહ જાડેજાએ આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી ફગાવી દેવાતા હવે તેમની મુશ્કેલીઓ વધી છે અને તેમને જેલની હવા ખાવી પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિવાળીના તહેવાર બાદ રાજદીપસિંહ જાડેજાની ધરપકડની પૂરી શક્યતા છે. આ ચુકાદાથી અમિત ખૂંટ આપઘાત કેસમાં ન્યાયની આશા સેવી રહેલા પરિવારને રાહત મળી છે, જ્યારે રાજદીપસિંહ જાડેજા સામે કાયદાકીય કાર્યવાહીનો તખ્તો તૈયાર થઈ ગયો છે.
શું છે અમિત ખૂંટ આત્મહત્યા કેસ?
સાવરકુંડલાની 17 વર્ષની સગીરાએ અમિત ખૂંટ પર આરોપ લગાવ્યો હતો કે, 'છેલ્લા બે મહિનાથી તે રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડેલિંગ કરતી હતી. આ સમય દરમિયાન તેને રીબડા ગામના અમિત દામજી ખૂંટ નામના પટેલ યુવાન સાથે પરિચય થયો હતો અને બંને અવારનવાર મળતા હતા. ત્યારે યુવાને સગીરાને જ્યુસમાં બેભાન કરવાની દવા પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું.'
જો કે, પોલીસ તપાસ શરૂ થાય તે પહેલાં જ અમિત ખૂંટે પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. યુવાને ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાધો હતો. પોલીસને ઝાડ પર પ્લાસ્ટિકની બે થેલીઓ લટકતી મળી આવી હતી. ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે 'મને મારવા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે.'
આ આપઘાતને લઈને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને બે યુવતીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108, 61(2), 54 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. અનિરુદ્ધસિંહ જાડેજાએ બે યુવતીઓ સાથે મળીને અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવીને બદનામ કરવાનું કાવતરું રચવું અને દુષ્કર્મનો ખોટો કેસ કરીને આત્મહત્યા માટે મજબૂર કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.