અમદાવાદ-ગાંધીનગર માટે આગામી 3 કલાક 'અતિભારે', અનેક વિસ્તારો જળબંબાકાર, 9 જિલ્લામાં રેડ એલર્ટ
Heavy Rain Forecast : શહેરમાં ગત રાત્રિથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. મોડી રાતથી વહેલી સવાર સુધીમાં અઢી ઇંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર માટે આગામી 3 કલાક અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે બપોરના 1 વાગ્યા સુધી 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના 9 જિલ્લામાં 'રેડ એલર્ટ'
રાજ્યમાં મેઘમહેર યથાવત છે ત્યારે હવામાન વિભાગે આગામી સમય માટે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લા માટે પણ 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે.
5 જિલ્લાઓમાં 'યલો એલર્ટ'
ઉપરોક્ત 9 જિલ્લા સિવાયના 5 જિલ્લા માટે 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ સાધારણથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં વાહનચાલકોને સાવધાનીપૂર્વક વાહન ચલાવવા અને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સરેરાશ અઢી ઇંચ વરસાદ: શહેરમાં મોડીરાત ધડબડાટી બોલાવતાં ઘૂંટણસમા પાણી ભરાયા
અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ
અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ નોંધાયો છે. પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ, નિકોલ, નરોડા, અને રબારી કોલોની સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે સરસપુર, વટવા, મણિનગર, ચાણક્યપુરી, ચાંદખેડા, ગોતા, થલતેજ, પકવાન ચાર રસ્તા, સિંધુભવન, ઇસ્કોન, સરખેજ, મકરબા, પ્રહલાદ નગર, અને વેજલપુર સહિતના પશ્ચિમના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.
અમદાવાદના આ વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ
જોધપુર, સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, કાલુપુર, ઇન્કમટેક્સ, શાહપુર, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણિનગર, લાલ દરવાજા, ગીતામંદિર, વાડજ, ઇન્કમટેક્સ, અને ઉસ્માનપુરા જેવા વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: બનાસકાંઠાના વડગામમાં મેઘતાંડવ, સાત ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી આગાહી
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ ઉત્તર છત્તીસગઢ અને ઝારખંડ ઉપર ડિપ્રેશન સક્રિય થયું છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત ઉપર પણ મોનસૂન ટ્રફ સક્રિય છે. ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં કુલ 04 સિસ્ટમ સક્રિય હોવાથી આગામી સમયમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આ દરમિયાન, પવનની ઝડપ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
ગત 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 72 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે (27 જુલાઇ) પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં 103 ધડબડાટી બોલાવી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં 6.22 ઇંચ, તલોદમાં 5.31 ઇંચ, સિદ્ધપુરમાં 5.16 ઇંચ, કપરાડામાં 4.92 ઇંચ, દહેગામમાં 4.80 ઇંચ, કઠલાલમાં 4.17 ઇંચ, મહેસાણામાં 3.98 ઇંચ, ધરમપુરમાં 3.78 ઇંચ, પ્રાંતિજમાં 3.66 ઇંચ, કંડાણામાં 3.58 ઇંચ, ડીસામાં 3.58 ઇંચ, ધનસુરામાં 3.50 ઇંચ અને સતલાસણામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: સાબરકાંઠામાં મેઘરાજા મનમૂકીને વરસ્યાં, તલોદમાં 5 ઈંચ, પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
આગામી દિવસોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં રવિવારે (27મી જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરુચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
28મી જુલાઈની આગાહી
28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.