અમદાવાદનું અનોખું શિવ મંદિરઃ અહીં ભક્તો માનતા પૂરી કરવા ચઢાવે છે સિગારેટ
Ahmedabad Shiva Temple: શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ભક્તો ભોળાનાથને રિઝવવા માટે શિવ મંદિરોમાં પૂજા-અર્ચના અને ઉપવાસ કરતા જોવા મળે છે. ગુજરાતમાં અનેક શિવ મંદિરો આવેલા છે, પરંતુ અમદાવાદમાં એક એવું અનોખું મંદિર છે જ્યાં શિવજીને રીઝવવા અઘોરી બાબાની સમાધિએ ચઢાવાય છે હજારો સિગારેટ! ચાલો જાણીએ આ અનોખા મંદિર વિશે.
મહાદેવના મંદિરમાં સિગારેટ અર્પણ કરવાની પરંપરા
અમદાવાદમાં ગાંધી આશ્રમ અને દાંડી પુલ વચ્ચે આવેલું પ્રાચીન દૂધાધારી મહાદેવ મંદિર એક વિશિષ્ટ પરંપરા ધરાવે છે. આ મંદિર પરિસરમાં વર્ષો જૂની એક અઘોરી બાબાની સમાધિ આવેલી છે. સામાન્ય રીતે શિવજીને બિલીપત્ર, દૂધ, જળ અને ધતૂરો અર્પણ કરવામાં આવે છે, પરંતુ આ મંદિરમાં ભક્તો શિવજીની સાથેસાથે આ અઘોરી બાબાના પણ આશીર્વાદ મેળવે છે અને તેમની સમાધિ પર સિગારેટ ચઢાવે છે.
આ પણ વાંચોઃ મહીસાગરના અળદરી ધોધ ફરવા આવેલા રાજસ્થાનના બે વિદ્યાર્થી ડૂબ્યા, એકનું મોત
માન્યતા પાછળનો ઈતિહાસ
એવી માન્યતા છે કે વર્ષો પહેલા સાબરમતી નદીના કિનારે અને મંદિરથી થોડે દૂર અઘોરી સાધુઓ નિવાસ કરતા અને ભગવાન શિવની ભક્તિ કરતા. તે સમયે લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે આ અઘોરી બાબા પાસે જઈને માનતા રાખતા. માનતા પૂરી થતાં તેઓ અઘોરી સાધુને તેમના પ્રિય એવા અફીણ, ગાંજો, ચરસ જેવા નશાકારક પદાર્થો અર્પણ કરતા. આ પરંપરા લાંબા સમય સુધી ચાલી અને આગળ વધતી રહી.
હાલમાં પણ લોકો અહીં આવીને અઘોરી બાબા પાસે માનતા રાખે છે, પરંતુ અન્ય નશાકારક પદાર્થો પર પ્રતિબંધ હોવાને કારણે સિગારેટ ચઢાવવાનો રિવાજ શરૂ થયો. સમય જતાં, ભક્તો જ્યારે ભોળાનાથના દર્શન કરવા આવે ત્યારે અઘોરી બાબાના પણ આશીર્વાદ લેતા અને તેમને સિગારેટ અર્પણ કરતા થયા.
ગુરુવારે વિશેષ ભીડ
એવું કહેવાય છે કે શિવજીના પરમ ભક્ત એવા અઘોરી બાબા અહીં સાક્ષાત વાસ કરે છે. દર ગુરુવારે મોટી સંખ્યામાં ભક્તો અઘોરી બાબાના દર્શનાર્થે આવે છે અને તેમને સિગારેટ અર્પણ કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. આ અનોખી પરંપરા અમદાવાદના આ મંદિરને એક વિશિષ્ટ ઓળખ આપે છે.