અમદાવાદમાં 7000 પોલીસ કર્મીઓનો પગાર મોડો થવાથી ઊહાપોહ, જાણો ક્યાં સુધી થઇ શકે
Ahmedabad Police Salary Delay: અમદાવાદના કોન્સ્ટેબલથી લઈ પી.આઈ. સુધીના 7000 પોલીસ કર્મચારીઓમાં પગારમાં વિલંબનો મુદ્દો ઉહાપોહનું કારણ બન્યો હતો. પોલીસ કર્મચારીઓના પગારથી માંડી સર્વિસ ડેટાની તમામ વિગતો કેન્દ્ર સરકારના કર્મયોગી પોર્ટલ સાથે કનેક્ટ કરવામાં વિલંબ થયો છે. ઈજાફાની ખતવણી સાથે પગાર ચૂકવણી શરૂ કરાઈ છે જે ચાર દિવસમાં પૂર્ણ થશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, ગરીબી હટી નહીં પણ ગરીબોની સંખ્યા વધી
પોલીસના પગારમાં વિલંબ
શહેર પોલીસના કોન્સ્ટેબલથી માંડી પી.આઈ સુધીના સ્ટાફનો પગાર દર મહિને ત્રીજી તારીખ સુધીમાં થઈ જતો હોય છે. પરંતુ, આ મહિને પગારમાં વિલંબ થતાં ઉહાપોહ મચી ગયો હતો. ખાસ કરીને હાઉસિંગ લોન, કાર લોન સહિતના બેન્કોના હપ્તાની ચૂકવણીની તારીખના મુદ્દે અનેક પોલીસ કર્મચારીઓએ પોલીસ કમિશનર કચેરીની એકાઉન્ટ બ્રાન્ચમાં દોડધામ કરી મુકી હતી. જો કે, ઉહોપોહના પગલે બુધવાર સાંજથી પગારના ઓનલાઈન ચૂકવણી શરૂ થયાં છે.
4 દિવસનો થશે વિલંબ
પોલીસ કમિશનરના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઈજાફાની ખતવણી થતી જશે તેમ ચુકવણીમાં વધુમાં વધુ 4 દિવસનો સમય વિતશે. પગારમાં ચાર દિવસના વિલંબ પાછળ નેશનલ કર્મયોગી પોર્ટલ પર અમદાવાદ સહિત ગુજરાત પોલીસના કર્મચારીઓની વિગતોની નોંધણી થઈ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મયોગી પોર્ટલ ઉપર હવેથી પોલીસ કર્મચારીઓનો રજા, એલટીસી, પ્રોબેશન, પ્રોપર્ટી, ઈન્ક્રીમેન્ટ, રિટર્ન સહિતનો તમામ રેકોર્ડ આ નેશનલ પોર્ટલ પર રહેશે.
કર્મયોગી પોર્ટલ પર મળશે તમામ માહિતી
પોલીસ કર્મચારીઓની ઈ-સર્વિસ બૂક તૈયાર થઈ જતાં દર મહિને નોકરી અંગેની વિગતો કર્મયોગી પોર્ટલ ઉપર અપલોડ થઈ જશે. પોલીસ કર્મચારીઓ પણ કર્મયોગી એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાની વિગતો જાણી શકશે. પોલીસનો સર્વિસ ડેટા ઓનલાઈન થતાં પોલીસ સ્ટેશનોના વહીવટી વિભાગના પગારબીલના પેપર વર્કની કામગીરીમાંથી મુક્તિ મળશે.