ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, ગરીબી હટી નહીં પણ ગરીબોની સંખ્યા વધી
AI Images |
Poverty Grows In Gujarat: એક તરફ, ગુજરાત તમામ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, 'વાઈબ્રન્ટ ગુજરાત'નો દરજ્જો મેળવ્યો છે. ત્યારે બીજી તરફ આ જ વિકસીત ગુજરાતની દારુણ ગરીબીની પરિસ્થિતિનું અસલી ચિત્ર બહાર આવ્યુ છે. ગુજરાતની અડધોઅડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે. ખૂદ કેન્દ્રીય અન્ન પુરવઠા વિભાગે સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો છે કે, ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ મેળવે છે. વિકાસના બણગાં ફુંકવામાં આવી રહ્યાં છે, ત્યાર કડવી હકીકત એ છેકે, લોકોને બે ટક ખાવાના ય ફાંફા છે. કરુણતા એ છેકે, રાજ્ય સરકાર હજારો લાખો લોકોને મફત અનાજ આપે છે તેને સિદ્ધિ ગણાવી રહી છે.
છેલ્લાં બે વર્ષમાં જ મફત અનાજ લેનારા લોકોની સંખ્યામાં 20 લાખનો વધારો
અહેવાલો અનુસાર, છેલ્લાં 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સત્તાના સિંહાસને છે. વિકાસની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે, ત્યારે હજુ સુધી લોકોની આર્થિક સ્થિતિમાં સુધાર આવી શક્યો નથી. ગરીબી હટાવોના નારા ગુંજી રહ્યાં છે. પરંતુ સરકાર ગરીબી તો હટાવી શકી નથી બલ્કે ગરીબ પરિવારોની સંખ્યામાં દિવસેને દિવસે નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA ) યોજના હેઠલ ગરીબ પરિવારોને મફત ઘઉં, ચોખા સહિત અનાજ પુરુ પાડવામાં આવે છે.
વર્ષ 2022-23માં ગુજરાતમાં 3.45 કરોડ લોકો મફત અનાજ મેળવતાં હતાં. જ્યારે વર્ષ 2025માં મફત અનાજ લેનારાઓની સંખ્યા વધીને 3.65 કરોડ સુધી પહોંચી ગઇ છે. છેલ્લાં બે વર્ષમાં જ મફત અનાજ લેનારા લોકોની સંખ્યામાં 20 લાખનો વધારો થયો છે. આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, કેરાલા, હરિયાણા, પંજાબ, ગોવા, દિલ્હી, તેલંગાના, ઝારખંડ, ઉતરાખંડ સહિત અન્ય રાજ્યો કરતાં સમૃદ્ધ ગુજરાતમાં મફત અનાજ લેનારાઓની સંખ્યા સવિશેષ વધુ છે.
આ પણ વાંચો: અમદાવાદ ફાયરિંગનો મામલો: કરોડોનું દેવું થતાં કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ
ગુજરાતમાં આજે એવી પરિસ્થિતીનું નિર્માણ થયુ છે કે, રોજગારીના અભાવે શહેરોમાં લોકો રોજના 32 રૂપિયા અને ગામડાઓમાં રોજના 26 રૂપિયા ૫ણ ખર્ચવા અસમર્થ છે. ત્યારે રાજ્ય સરકારને માત્ર વિકાસના નામે માત્ર માર્કેટિંગ કરવામાં જ રસ છે. કેન્દ્રના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં શહેરોમાં 75.35 લાખ અને ગ્રામ્ય વિસ્તારોમાં 26.88 લાખ ગરીબો છે જે ગરીબી રેખા નીચે જીવન ગાળી રહ્યાં છે. ખૂદ રાજ્ય સરકારે વિધાનસભામાં કબૂલ્યુ છે કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 1359 ગરીબ પરિવારોની સંખ્યા વધી છે. ગુજરાતમાં ગરીબી ચરમસિમાએ પહોંચી છે તેમ છતાંય સરકાર મફત અનાજ વહેચીને વાહવાહી મેળવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સુખી-સંપન્ન ગુજરાતમાં વર્ષ 2024માં 7529 કરોડનું મફત અનાજ વહેંચ્યું હતું. ગરીબી નાબુદી માટે અનેક સરકારી યોજનાઓ અમલમાં છે તેમ છતાંય ગુજરાતમાં ગરીબીએ સીમા વટાવી છે, ત્યારે છેવાડાના માનવી સુધી લાભ મળતો નથી તે વાત પ્રસ્થાપિત થઈ છે.