અમદાવાદના વાસણામાં ગૌવંશ લઈ જતી કારનો અકસ્માત, BRTS ટ્રેકને થયું ભારે નુકસાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદના વાસણા-ચંદ્રનગર વિસ્તારમાં મોડી રાત્રે ગૌવંશની તસ્કરીનો પર્દાફાશ થયો છે. ગૌરક્ષકોથી બચવા માટે BRTS ટ્રેકમાં 100 થી વધુની સ્પીડે દોડતી એક લક્ઝરી કારે સ્ટેન્ડના દરવાજા અને લાઈટના પોલ તોડી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ કારમાં ક્રૂરતાપૂર્વક ભરેલા વાછરડા મળી આવતા ચકચાર મચી ગઈ છે.
100 ની સ્પીડે BRTS ટ્રેકમાં અકસ્માત
મળતી માહિતી મુજબ, ગત મોડી રાત્રે વાસણા ચંદ્રનગર BRTS રૂટ પર એક સિલ્વર કલરની રેનો લોજી કાર (GJ-18-EE-8962) બેફામ સ્પીડે દોડી રહી હતી. ગૌરક્ષકો ગાડીનો પીછો કરી રહ્યા હોવાથી પકડાઈ જવાની બીકે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ બેફામ કારે ચંદ્રનગર BRTS સ્ટેશનનો મુખ્ય દરવાજો તોડી નાખ્યો હતો અને ત્યારબાદ લાઈટના થાંભલા તથા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
એરબેગ ખુલતા જ એક આરોપી દબોચાયો
અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડીની એરબેગ્સ ખુલી ગઈ હતી અને ગાડી ત્યાં જ થંભી ગઈ હતી. અકસ્માત થતા જ કારમાં સવાર ચાર શખ્સો પૈકી ત્રણ અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યા હતા. જોકે, સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને એક શખ્સ (મકબુલ સત્તાર મન્સુરી) ને ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.
વાછરડાઓની હાલત જોઈ લોકોમાં રોષ
જ્યારે સ્થાનિક લોકો અને ગૌરક્ષકોએ અકસ્માતગ્રસ્ત ગાડીની અંદર જોયું ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. કારની પાછળની સીટો કાઢી નાખી તેમાં ૪ જેટલા વાછરડાઓને ટૂંકા દોરડા વડે ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક બાંધીને રાખવામાં આવ્યા હતા. પશુઓને પૂરતી હવા કે પાણી મળે તેવી કોઈ વ્યવસ્થા નહોતી.
પોલીસ કાર્યવાહી
પાલડી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પકડાયેલા આરોપી મકબુલ મન્સુરીની ધરપકડ કરી છે. પોલીસે પશુ સંરક્ષણ ધારા, પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા બદલ (Damage to Public Property Act) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર થયેલા અન્ય ત્રણ આરોપીઓ - ઈમરાન ઉર્ફે મની, એઝાઝ ઉર્ફે ગટ્ટુ અને નાસીર ઉર્ફે ડગરાની શોધખોળ તેજ કરવામાં આવી છે.









