મિની બાંગ્લાદેશનો સફાયો કરવા શરૂ થયેલું 'ઓપરેશન ચંડોળા' અચાનક આટોપી લેવાયું
ગુરુવારે ગની પથ્થરવાલા દ્વારા બનાવાયેલી દસ ઓરડી અને એક ગોડાઉન તોડી એક હજાર ચોરસમીટર જગ્યા જ ખુલ્લી કરાઈ
Ahmedabad Chandola Demolition | અમદાવાદના ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બાંધવામાં આવેલા બાંધકામ તોડવાની ઝૂંબેશ ઉપર મ્યુનિસિપલ તંત્ર દ્વારા રાતોરાત આટોપી લેવામાં આવી હતી. ગુરુવારે ગની પથ્થરવાલા દ્વારા મિલ્લતનગર વિસ્તારમાં બનાવાયેલી દસ ઓરડી અને એક ગોડાઉન તંત્ર દ્વારા તોડી પાડી એક હજાર ચોરસમીટર જગ્યા ખુલ્લી કરાઈ હતી. બે દિવસમાં ચંડોળા તળાવની 1.5 લાખ ચોરસમીટર જગ્યામાં બાંધવામાં આવેલા લલ્લા બિહારીના બાંધકામ સહિત અન્ય બાંધકામ દુર કરાયા હતા.
કોઈ રાજકીય દબાણ આવ્યું કે?
રાજકીય દબાણ આવતા બુધવારે રાતથી જ ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.હજુ પચાસ હજાર ચોરસમીટર જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ ફેલાયેલા છે. આ બાંધકામોને તોડવાના બદલે તંત્રે કોના દબાણથી કામગીરી સ્થગિત કરી એ બાબત ચર્ચાનો વિષય બની છે.
બે દિવસથી ચાલતી હતી કામગીરી
બે દિવસથી ચંડોળા તળાવની જગ્યામાં બંધાયેલા ગેરકાયદેસર બાંધકામ તોડવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી 500થી વધુ કર્મચારી, અધિકારીઓના સ્ટાફ ઉપરાંત 50 જે.સી.બી., 50 ડમ્પર અને ટ્રક સહિતની મશીનરી સાથે ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.ચંડોળા તળાવની જગ્યામાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા પોલીસ અને એસ.આર.પી.ના ચુસ્ત બંદોબસ્ત સાથે ગેરકાયદેસર બાંધકામ તોડવાની ચાલી રહેલી કામગીરીને લઈ અચાનક યુ -ટર્ન આવ્યો હતો.
બેઠકનો દોર ચાલ્યો!
ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી દરમિયાન સ્થળ ઉપર આવેલા ધાર્મિક સ્થાનો અને જે લોકો વર્ષોથી આ સ્થળે વસવાટ કરે છે તેમના બાંધકામ નહીં તોડવા કોંગ્રેસના કેટલાક નેતાઓએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.બપોર પછી રાજય સરકારના એક મંત્રી ચંડોળા તળાવની જગ્યામાં ચાલી રહેલી ડીમોલીશનની કામગીરી જોવા પહોંચ્યા હતા. જે પછી એક બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ડીમોલીશનની કામગીરીને લઈ કયા પ્રકારની સુચના અપાઈ એ જાણવા મળ્યુ નથી.પરંતુ બુધવાર રાતથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ તોડવા ઉપયોગમાં લેવાઈ રહેલી મોટાભાગની મશીનરી સ્થળ ઉપરથી હટાવવાની શરુઆત કરી દીધી હતી.ચંડોળા તળાવની અંદર બનાવવામાં આવેલા બે પાળા તોડવાની કામગીરી ઉપરાંત ઘોડાસરમાં ૨૫ દુકાનના દબાણ તંત્રે દુર કર્યા હતા.ચંડોળા તળાવની જગ્યામાં ડીમોલીશનની કામગીરીને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ માત્ર એટલુ કહયુ, અમને પોલીસે આપેલી સુચના મુજબ બે દિવસમાં ૧.૫ લાખ ચોરસમીટર જગ્યા ખુલ્લી કરી આપી છે.