અમદાવાદમાં બિલ્ડર પર છરી વડે હુમલો, પીડિતનો પોલીસ પર FIR ન નોંધવાનો આરોપ
Ahmedabad Crime: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઊભા કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મંગળવારે (12 ઓગસ્ટ) સાંજે સાતથી આઠ હુમલાખોરોએ સાયન્સ સિટી રોડ પર આવેલી વ્રજ જ્વેલર્સની ઓફિસમાં ઘૂસીને એક જાણીતા બિલ્ડર પર છરી વડે હુમલો કર્યો હતો.
સીસીટીવી ફૂટેજમાં દેખાયા હુમલાખોરો
ફરિયાદી સંજય સોનીના જણાવ્યા અનુસાર, આ ઘટના સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે કુખ્યાત ગુનેગાર વિક્રમ રબારી અને તેના સાગરિતોએ બિલ્ડર કેતન પટેલ અને વેપારી સંજય ભરવાડને નિશાન બનાવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં પાંચથી છ હુમલાખોરો ઓફિસમાં ઘૂસીને હુમલો કરતા જોવા મળે છે.
આ પણ વાંચોઃ અમદાવાદ નહેરૂનગર હિટ એન્ડ રનઃ પોલીસ કસ્ટડીમાં આરોપીને માર મારનારા 4 લોકો સામે ગુનો દાખલ
શું હતી ઘટના?
સંજય સોનીએ દાવો કર્યો કે, 'જ્યારે મેં અને મારા સાથીઓએ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો, ત્યારે અમારા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મારામારી દરમિયાન, વિક્રમ રબારીના એક સાથીએ સંજય ભરવાડને છરીના પાછળના ભાગથી માર માર્યો, જ્યારે કેતન પટેલને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને અન્ય એક સાથીને કાનમાં ઈજા થઈ તેમજ અન્ય બેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ મારામારી દરમિયાન, એક હુમલાખોરે ભોગ બનનાર પર ઈંટ પણ ફેંકી હતી.'
પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ
ફરિયાદીએ વધુમાં આરોપ લગાવ્યો કે, 'ગેરકાયદે નાણાં ધીરવા માટે જાણીતો વિક્રમ રબારી, તેને ધમકાવવા અને પૈસા પડાવવા માટે તેના માણસો સાથે આવ્યો હતો. જ્વેલર સાથે ગાઢ રીતે સંકળાયેલા કેતન પટેલે જ્યારે ધમકીઓનો પ્રતિકાર કર્યો ત્યારે આ જૂથે છરીઓ વડે હુમલો કર્યો.’
આ ઘટના બાદ, કેતન પટેલ અને સંજય સોની બંનેએ બોડકદેવ પોલીસ પર તેમની FIR નોંધવાનો ઇનકાર કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાત પોલીસ 'ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ' થી સજ્જ, વિશેષતા જાણી ચોંકશો
પત્રકારો સાથે વાત કરતા કેતન પટેલે દાવો કર્યો કે, ‘વિક્રમ રબારીના પ્રભાવને કારણે તપાસ અધિકારીઓ કાર્યવાહી કરવા નથી ઈચ્છતા. તેઓ મારી ફરિયાદ નોંધી નથી રહ્યા, કારણ કે તેઓ લુખા અને તેના માણસોથી ડરે છે.'
બોડકદેવ પોલીસની પ્રતિક્રિયા
પોલીસની કથિત નિષ્ક્રિયતાને કારણે બોડકદેવ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન થયું, જ્યાં એક ટોળું ભેગું થઈને તાત્કાલિક ફરિયાદ નોંધવાની અને આરોપીઓની ધરપકડની માંગ કરી રહ્યું હતું. જોકે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ FIR નોંધવાનો ઇનકાર કર્યો હોવાનો ઈનકાર કર્યો હતો. ગુજરાત સમાચાર ડિજિટલ સાથે વાત કરતા બોડકદેવ પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ સૂચવે છે કે સંજય સોની અને વિક્રમ રબારી છેલ્લા છ વર્ષથી વ્યવસાયિક ભાગીદારીમાં હતા અને સંજય તરફથી કેટલીક ચૂકવણી બાકી હતી. વિક્રમ આ બાબતે ચર્ચા કરવા માટે ઓફિસની મુલાકાતે આવ્યો હતો, જેમાં કેતન પટેલ મધ્યસ્થી કરી રહ્યા હતા. આ દરમિયાન એક દલીલ થઈ, જેના કારણે ઝઘડો થયો.
બોડકદેવ પોલીસ ઈન્ચાર્જે દાવો કર્યો કે 'અમે FIR લેવા તૈયાર હતા. ભોગ બનનારે ખંડણીનો આરોપ સામેલ કરવાનો આગ્રહ કર્યો, પરંતુ આવી કોઈ ઘટના બની ન હતી. અમે કાયદા મુજબ હુમલા અને હથિયારોના ઉપયોગની તપાસ કરવા તૈયાર છીએ.'