અમદાવાદમાં વિદ્યાર્થિની સાથે બાઇક રાઈડરનું અભદ્ર વર્તન, પાંચ દિવસ બાદ પણ પોલીસ નિષ્ક્રિય
Flie Photo |
Ahmedabad Police: મેગા સિટી અમદાવાદમાં યુવા વર્ગમાં ઓનલાઈન કાર અને બાઇક રાઈડનું ચલણ વધી રહ્યું છે ત્યારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વિદ્યાર્થિની સાત મિનિટની રાઈડ લઈને નિરમા યુનિવર્સિટીનીમાં ભણવા પહોંચી તે ત્યારબાદ બાઈક રાઈડર દ્વારા ડબલ મિનિંગ મેસેજીસનો ધોધ વહાવવામાં આવી રહ્યો છે. આ ગંભીર મુદ્દે ગત ગુરૂવારે (15 મે)ના રોજ ચાંદખેડા પોલીસને લેખિતમાં અરજી આપી હોવા છતાં પાંચ દિવસથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. એક સમય હતો કે જ્યારે ગુજરાતમાં મહિલાઓ રાતે પણ નિર્ભિકપણે ફરી શકતી હતી. હવે, ધોળાદિવસે કોલેજ સ્ટુડન્ટ યુવતીને અસલામતીનો અહેસાસ થાય તેની અરજી કરવી પડે છતાં કાર્યવાહી થતી નથી. બહેન-દીકરીઓને સલામતીનો અહેસાસ કરાવવામાં ગુજરાત યુ.પી. કે બિહારથી પણ પાછળ છે તો આવનારાં દિવસો ક્યાં લઈ જશે. નવા ગુજરાતની નવી વાત એ છે કે મહિલાઓ સુરક્ષિત છે એ ગઈકાલ બન્યાંની લોકચર્ચા વેગવાન છે.
શું હતી ઘટના?
નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની ATS કચેરી રોડથી આગળ જતાં એક એપાર્ટમેન્ટમાં ભાડેથી રહે છે. આ વિદ્યાર્થિનીએ નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જવા માટે ગત 15 મેના દિવસે નલાઈન એપ્લિકેશનથી બાઇક રાઈડ બૂક કરી હતી. બાઇક રાઈડર આવ્યો હતો અને પાંચ-સાત મિનિટની રાઈડ લઈ યુવતી નિરમા યુનિવર્સિટી પહોંચી હતી. રાઈડ દરમિયાન બાઇક રાઈડરની વર્તણૂંક અસહ્ય હતી. આંબેડકર ઓપન યુનિવર્સિટીથી એટીએસ કચેરી રોડ ઉપરથી પસાર થતી વખતે રસ્તો બરાબર હોવા છતાં બાઇક રાઈડર શરીર નિશ્ચિત પ્રકારે અડે તેવો પ્રયાસ કરતો હતો. તેમ છતાં યુવતીએ આ બાબતોને દરકાર નહતી આપી. નિરમા યુનિવર્સિટી ખાતે ઉતર્યા બાદ ગુગલ-પે ક્યુ આર કોડ બતાવતા યુવતીએ 37 રૂપિયા પણ ચૂકવી દીધા હતા.
બાઇક રાઈડરે કર્યાં અભદ્ર મેસેજ
પૈસા ચૂકવી અને અભ્યાસ માટે પહોંચેલી યુવતીએ ઘટનાને ગંભીરતાથી લીધી નહોતી. પણ, ગુગલ-પે એકાઉન્ટ પૈસા ચૂકવાયાં તેના ઉપર જ બાઇક રાઈડરે અચાનક જ યુવતીને સતત મેસેજ શરૂ કરી દીધાં હતાં. યુવતીએ પોલીસ ફરિયાદ કરશે તેવી ચિમકી આપ્યા પછી પણ બાઇક રાઈડર યુવકે 'ડીયર, પ્લીઝ બી ગુડ ફોર એવરીવન, આઈ સેઈડ પ્લીઝ બી ગુડ પર્સન, બાય, હાઉ આરયુ, આઈ હોપ યુ આર ડુઈંગ વેલ, ડીયર પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આઈ જસ્ટ આસ્ક્ડ યુ... ડીડ નોટ ફોર્સ્ડ યુ, નાઉ અ ડેયઝ ઇટ્સ કોમન ફોર યુ ગાયઝ ઈન ધ કોલેજ' લખાણવાળા મેસેજ કરવાના ચાલુ રાખ્યા હતાં.
યુવતીએ કરી ફરિયાદ
આખરે, યુવતીએ 15 મેના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં રેપિડો બાઇક રાઈડરના નામ સાથે લેખિતમાં અરજી આપી હતી. યુવતીએ બાઇક રાઈડર સામે મેસેજીસના પુરાવા ઉપરાંત તેના બાઇકની નંબર પ્લેટ સાથે પણ ચેડાં કરાયેલાં હોવાની આશંકા અરજીમાં વ્યક્ત કરી હતી.
પોલીસની નહિવત કાર્યવાહી
ચાંદખેડા પોલીસ સ્ટેશનમાંથી અરજી સ્વિકારીને ત્વરિત કાર્યવાહી કરાશે તેવી ખાતરી અપાઈ હતી. પરંતુ, ચાર દિવસ વિતી ગયાં છતાં પોલીસ તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. યુવતીને હજુ પણ માથાફરેલા બાઇક રાઈડર તરફથી મેસેજીસ કરીને પરેશાની ચાલુ જ છે. ગંભીર બાબત એ છે કે, નામી ઈન્સ્ટિટ્યુટમાં ઉચ્ચ અભ્યાસ કરતી યુવતીને બાઇક રાઈડરની પરેશાનીમાંથી મુક્તિ મળે તે માટે પોલીસ તરફથી પાંચ દિવસે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટના બાબતે ચાંદખેડા પી.આઈ. અને એસીપીનો પ્રત્યાઘાત જાણવા પ્રયાસ કરાયો હતો પણ કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો. સલામત ગણાવાતાં અમદાવાદમાં કોલેજીયન યુવતી બાઇક રાઈડરના અભદ્ર વર્તનથી પરેશાન છે અને પોલીસની સંવેદનશીલતા મરી પરવારી હોય તેમ કોઈ કાર્યવાહી થતી નથી તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.