ચંડોળા ડિમોલિશનનો બીજો તબક્કો: ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત, ચાર દિવસ ચાલશે કાર્યવાહી
Chandola Lake Demolition Phase 2 : અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરુ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.
JCBનો ખડકલો
ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે. અસરગ્રસ્તોને ખસેડવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશે, તે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.
અઢી લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવાશે
આ અંગે વધુ માહિતી આપતાં પોલીસ કમિશ્નર જી. એસ. મલિકે જણાવ્યું છે, કે 'ડિમોલિશનની કાર્યવાહીમાં ત્રણ હજાર પોલીસ કર્મચારી, SRPની 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે.
નોંધનીય છે કે ચંડોળા તળાવની આસપાસ રહેતાં 200થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે જ્યારે હજુ અન્ય બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે.