Ahmedabad

વસ્ત્રાપુરની ફૂડ કંપનીમાં પૂર્વ HR મહિલાએ કરી લાખો રૂપિયાની ઠગાઈ, બોગસ કર્મચારીઓ બતાવી 13.53 લાખ ચાંઉ કર્યા

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી A.B. ફૂડ કંપનીમાં ₹13.53 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ HR મેનેજર જેમી લાડાણીએ 10 બોગસ કર્મચારીઓ ઊભા કરી તેમના ખાતામાં કંપનીના નાણાં ટ્રાન્સફર કર્યા હતા. માલિક અવધનરેશ શર્માએ વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે તપાસ હાથ ધરી છે. નવા એકાઉન્ટન્ટના ઓડિટમાં આ કૌભાંડ પકડાયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વસ્ત્રાપુરની ફૂડ કંપનીમાં પૂર્વ HR મહિલાએ કરી લાખો રૂપિયાની ઠગાઈ, બોગસ કર્મચારીઓ બતાવી 13.53 લાખ ચાંઉ કર્યા

Ahmedabad News: અમદાવાદના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત ફૂડ કંપનીમાં પૂર્વ હ્યુમન રિસોર્સ મેનેજર (HR) મહિલા અધિકારી દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કંપનીમાં ક્યારેય પગ પણ ન મૂક્યો હોય તેવા 10 જેટલા બોગસ કર્મચારીઓ ઊભા કરી, તેમના બેંક ખાતામાં કંપનીના નાણાં ટ્રાન્સફર કરી પૂર્વ એચઆરે 13.53 રૂપિયાની ઉચાપત કરી છે. આ મામલે કંપનીના માલિકે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માલિકનો વિશ્વાસ જીતીને ઓન-પેપર ખેલ ખેલાયો
ઘટનાની વિગતો મુજબ, વસ્ત્રાપુરમાં એ.બી. ફૂડ નામની કંપની ચલાવતા અવધનરેશ શર્માએ પોતાની પૂર્વ એચઆર જેમી લાડાણી નામની યુવતી સામે ફરિયાદ નોંધાવી છે. જેમી કંપનીમાં એચઆર તરીકે ફરજ બજાવતી હોવાથી નવી ભરતી અને પગારના તમામ હિસાબો તેના હાથ નીચે હતા. આ સત્તાનો દુરુપયોગ કરીને તેણે ગત સપ્ટેમ્બર 2025થી મે 2026 દરમિયાન એક મોટું આર્થિક કૌભાંડ આચર્યું હતું. જેમીએ કંપનીમાં ક્યારેય નોકરી જ ન કરતા હોય તેવા પોતાના જ 10 જેટલા અજાણ્યા ઓળખીતા વ્યક્તિઓના ડોક્યુમેન્ટ્સના આધારે બોગસ પ્રોફાઇલ તૈયાર કરી દીધી હતી.

માલિકની સહીઓ કરાવી ખાતામાં નાણાં જમા કરાવ્યા
આરોપી એચઆર જેમીએ એટલી ચાલાકીથી કામ કર્યું કે દર મહિને સેલરી શીટ બનાવતી વખતે આ 10 નકલી કર્મચારીઓના નામ પણ અંદર ઉમેરી દેતી હતી. આ નાણાં બેંક મારફતે ટ્રાન્સફર કરવા માટે તેણે કંપનીના માલિક અવધનરેશભાઈનો વિશ્વાસ જીતીને તેમની સહીઓ પણ મેળવી લીધી હતી. આ બોગસ કર્મચારીઓમાંથી કોઈના ખાતામાં 1 મહિનાનો તો કોઈના ખાતામાં સળંગ 4-4 મહિનાનો પગાર જમા કરાવીને કંપનીના કુલ ₹13.53 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ ઓફિસમાં અણછાજતા વર્તનના કારણે ગત 25મી મેના રોજ કંપનીએ જેમીને નોકરીમાંથી મુક્ત કરી દીધી હતી.

નવા એકાઉન્ટન્ટના ઓડિટમાં પાપ છાપરે ચડીને પોકાર્યું
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે જેમીના ગયા પછી કંપનીમાં આવેલા નવા એકાઉન્ટન્ટે જૂના પગારના હિસાબો અને ખાતાઓ ચેક કરવાનું શરૂ કર્યું. ઓડિટ દરમિયાન એકાઉન્ટન્ટના ધ્યાનમાં આવ્યું કે જે લોકો કંપનીના રેકોર્ડ કે ચોપડે કર્મચારી તરીકે ક્યાંય હાજર જ નથી, તેવા અજાણ્યા લોકોના બેંક એકાઉન્ટમાં સેલરી પેટે મોટી રકમ જમા થઈ રહી છે. કંપની માલિકે તાત્કાલિક જેમીનો સંપર્ક સાધી આ અંગે ખુલાસો માંગ્યો હતો, પરંતુ તેની પાસે કોઈ સંતોષકારક જવાબ નહોતો. અંતે, પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જણાતા અવધનરેશ શર્માએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.