અમદાવાદમાં રખડતા શ્વાસનનો ત્રાસ, 4 મહિનામાં 3861 ફરિયાદ, ડોગ બાઈટના 20 હજાર કેસ
AI Image |
Ahmedabad News: અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે રસ્તા પર રખડતા ગૌવંશની માફક જ શ્વાનની ફરિયાદ પણ દોઢથી બે ગણી થઈ ગઈ છે. નવા શરૂ થયેલા નાણાંકીય વર્ષના ગત ચાર મહિના દરમિયાન અમદાવાદના શહેરીજનોએ રખડતા શ્વાનની 3891 ફરિયાદો નોંધાવી છે. જે પૈકી એકલા જૂલાઈમાં 1395 ફરિયાદો આવી છે. ખાસ કરીને રાત્રિના સમયે શાંત પડી ગયેલા રસ્તા પર વાહન લઈને નીકળતા શહેરીજનોએ અનેક વિસ્તારોમાં રખડતા શ્વાનના ટોળાઓનો સામનો કરવો પડે છે. બીજી બાજુ આ ચાર માસ દરમિયાન શ્વાનના કરડવાના 20 હજાર જેટલા કિસ્સા નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ સુરતમાં મીઠાઈની 11 દુકાનો પરથી ફુડ વિભાગે મીઠાઈના સેમ્પલ લઈ ચકાસણી માટે લેબમાં મોકલ્યા
2412 શ્વાનનું ખસીકરણ
રસ્તા પરથી રખડતા પશુઓ એટલે કે ગાય, ધણખૂંટ, શ્વાનનો ત્રાસ ઓછો ચોક્કસ થયો છે, પરંતુ બંધ નથી થયો. આ સ્થિતિ વચ્ચે ચોમાસામાં રખડતા શ્વાનનો ત્રાસ વધી ગયો હોવાની બૂમ લોકોમાંથી ઉઠી છે. મ્યુનિ. કોર્પોરેશન તંત્રના અનુમાન અનુસાર, શહેરમાં રસ્તાઓ પર લગભગ બે લાખ જેટલા શ્વાન છે. છેલ્લા ચાર મહિનામાં 2412 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. તેની સામે રખડતા શ્વાનની ફરિયાદો દોઢ ગણી નોંધાઈ છે.
4 મહિનામાં 20 હજાર લોકોને શ્વાન કરડ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર, દર મહિને ડોગબાઈટ એટલેકે શ્વાન કરડવાના પાંચેક હજાર કિસ્સા સામે આવે છે. જે મુજબ, ચાર મહિનામાં 20 હજાર જેટલા લોકોને શ્વાન કરડતા સારવાર લેવાની ફરજ પડી છે.
આ પણ વાંચોઃ મોરબીમાં ટ્રિપલ અકસ્માતમાં 4ના મોત, કન્ટેનર-ટેન્કર અને કાર વચ્ચે ભીષણ ટક્કર
પરિણામ મળતા હજી પાંચેક વર્ષ લાગશે
મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી શ્વાનના ખસીકરણ અને રસીકરણની ઝુંબેશ ચાલી રહી છે. જેઅંતર્ગત અત્યાર સુધીમાં 90 ટકા સ્ટરીલાઈઝેશન થઈ ગયું છે. પરિણામે હવે રસ્તા પર ગલુડિયા દેખાતા બંધ થઈ ગયા છે. સામાન્ય રીતે શ્વાનનું આયુષ્ય 10 થી 12 વર્ષનું હોય છે. માટે અત્યારે રસીકરણ કરાયેલા શ્વાન 5-6 વર્ષના છે. તેથી પેઢી પૂરી થયા બાદ એટલે કે આગામી પાંચેક વર્ષે વધુ અસરકારક પરિણામ મળશે. આ સિવાય તેમણે રસીકરણ માટે લોકોને અપીલ કરી છે અને કહ્યું કે, કોઈ શ્વાનના કાન ન કાપેલો હોય તેવું જણાય તો કોર્પોરેશનનો સંપર્ક કરવો.