મોરબીમાં ટ્રિપલ અકસ્માતમાં 4ના મોત, કન્ટેનર-ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર
Morbi Accident: મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં કન્ટેનર-ટ્રક અને કાર અથડાઈ હતી. વાહન અથડાતાની સાથે જ ભયાનક આગ લાગી હતી, જેમાં ઘટનાસ્થળે જ ટ્રક ડ્રાઇવર, ક્લિનર અને કારમાં સવાર બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. જો કે, કારમાં સવાર બાળકો સહિત સાત ફસાયેલો લોકોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવાયા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોની સામખિયાળી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.
કેવી રીતે અકસ્માત સર્જાયો?
મળતી માહિતી અનુસાર, માળિયા સૂરજબારી પુલ પર એક કન્ટેનર પલટી મારી ગયું હતું. જેની પાછળ આવતી એક ટ્રકે લેન બદલવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન પાછળ આવતી કાર ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં ભયાનક આગ લાગી હતી. જેમાં ટ્રકમાં અને કારમાં સવાર 2-2 લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતા મોરબી અને ભચાઉ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કારમાં સવાર સાત લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.
દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સામખિયાળી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેથી આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે અકસ્માતના કારણો જાણવા માટે તપાસ હાથ ધરી છે.
મૃતકોની ઓળખ થઈ
મૃતકોમાં 15 વર્ષીય રુદ્ર ગુજરિયા,17 વર્ષીય જૈમીન બાબરિયા, શિવરામ નાઈ અને એક મૃતકની ઓળખ હજી બાકી છે. રુદ્ર ગુજરિયા અને જૈમીન બાબરિયા બંને મીઠી રોહરનો રહેવાસી છે. જ્યારે શિવરામ નાઈ રાજસ્થાનનો રહેવાસી છે.