Gujarat

અમદાવાદ: વિદેશ મોકલવાના નામે છેતરપિંડી, ફિનલેન્ડમાં નોકરી અપાવવાની લાલચ આપી 12 લાખ પડાવ્યા

By GS TEAM
4 Apr 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના રાણિપ વિસ્તારમાં રહેતા અને સાણંદની ખાનગી કંપનીમાં એચ.આર. ઓફિસર તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય મિલન બારોટ સાથે વિદેશ મોકલવાના નામે 12 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ યુવકને ફિનલેન્ડમાં હોટલ ક્ષેત્રે આકર્ષક નોકરી અપાવવાની લાલચ આપી નાણાં પડાવ્યા હતા. આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં નૈમેષ શાહ અને રોહિત શર્મા નામના બે શખ્સો સામે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: વિદેશ મોકલવાના નામે છેતરપિંડી, ફિનલેન્ડમાં નોકરી અપાવવાની લાલચ આપી 12 લાખ પડાવ્યા

Foreign Job Fraud In Ahmedabad: અમદાવાદના રાણિપ વિસ્તારમાં રહેતા અને સાણંદની ખાનગી કંપનીમાં એચ.આર. ઓફિસર તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય મિલન બારોટ સાથે વિદેશ મોકલવાના નામે 12 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ યુવકને ફિનલેન્ડમાં હોટલ ક્ષેત્રે આકર્ષક નોકરી અપાવવાની લાલચ આપી નાણાં પડાવ્યા હતા. આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં નૈમેષ શાહ અને રોહિત શર્મા નામના બે શખ્સો સામે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.

ઓફર લેટર અને વિઝા વોટ્સએપ પર મોકલ્યા

ફરિયાદ અનુસાર, વર્ષ 2024માં મિલન બારોટ વિદેશમાં નોકરી શોધી રહ્યા હતા ત્યારે એક સાથી કર્મચારી મારફતે તેઓ ઉસ્માનપુરા ખાતે ઓફિસ ધરાવતા ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ નૈમેષ શાહના સંપર્કમાં આવ્યા હતા. તેણે મિવનને ફિનલેન્ડમાં નોકરી અપાવવાની ખાતરી આપી ઓરિજિનલ પાસપોર્ટ, શૈક્ષણિક દસ્તાવેજો અને સિક્યોરિટી તરીકે સહી કરેલો કોરો ચેક પણ લીધો હતો. થોડા સમય બાદ, નૈમેષ શાહે વોટ્સએપ દ્વારા નકલી ઓફર લેટર અને ફિનલેન્ડના રેસિડન્સ પરમિટ કાર્ડ મોકલી વિશ્વાસ જીત્યો હતો.

ટુકડે-ટુકડે 12 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા

દસ્તાવેજો મળી ગયા હોવાનું માનીને મિલને 11મી નવેમ્બરથી 19 નવેમ્બર દરમિયાન પોતાના અને પત્નીના બેન્ક ખાતામાંથી કુલ 12 લાખ રૂપિયા આરોપી રોહિત શર્માના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જોકે, પૈસા ચૂકવ્યા બાદ વિઝા કે ટિકિટની કોઈ હિલચાલ ન જણાતા મિલનભાઈને શંકા ગઈ હતી. તેમણે સીધો ફિનલેન્ડની એમ્બેસીનો સંપર્ક સાધતા જાણવા મળ્યું કે તેમને આપવામાં આવેલા તમામ દસ્તાવેજો બોગસ હતા.

છેતરપિંડીનો અહેસાસ થતા મિલને પોતાના નાણાં પરત માંગ્યા હતા, પરંતુ આરોપીઓએ માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ કુરિયર દ્વારા પરત કર્યા હતા અને પૈસા આપ્યા નહોતા. અંતે મિલન બારોટે વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ બેન્ક ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકીએ અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.