અમદાવાદ-લંડનનું એરફેર બમણું વધીને હવે રૃ. ૯૬ હજારને પાર

અમદાવાદ, રવિવાર
કોરોનાના કેસમાં
ઘટાડો થતાં જનજીવન હવે પૂર્વવત્ ધબકવા લાગ્યું છે. જેના પગલે હવે ૨૭ માર્ચથી બે વર્ષ
બાદ નિયમિત ધોરણે ઈન્ટરનેશનલ ફ્લાઇટનો પણ પ્રારંભ થશે. નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૃ
થતાં અમદાવાદથી અનેક ઈન્ટરનેશનલ સેક્ટરના રૃટની ફ્લાઇટમાં પણ સામાન્ય કરતાં બે ગણો
સુધીનો વધારો નોંધાયો છે.અમદાવાદ-લંડનની ફ્લાઇટનું વન-વે એરફેર બે વર્ષ અગાઉ રૃ. ૪૫
હજારની આસપાસ હતું અને તે હવે રૃપિયા ૯૬ હજાર સુધી પહોંચી ગયું છે.
બરાબર બે વર્ષ
અગાઉ કોરોનાએ પગપેસારો કર્યો ત્યારથી નિયમિત
ઈન્ટરનેશનલ ફ્લાઇટ બંધ કરવામાં આવી હતી. આ દરમિયાન માત્ર કેટલાક દેશ સાથે સ્પેશિયલ
ફ્લાઇટ દ્વારા મુસાફરો અવર-જવર કરી શકે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જોકે, હવે ૨૭ માર્ચથી
નિયમિત ધોરણે ઈન્ટરનેશનલ ફ્લાઇટનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ઘણા સમય બાદ નિયમિત ઈન્ટરનેશનલ
ફ્લાઇટ શરૃ થવા જઇ રહી હોવાથી ભારે ધસારો પણ જોવા મળી રહ્યો છે. નિયમિત ઈન્ટરનેશનલ
ફ્લાઇટ શરૃ કરાતાં વધતી ઈન્ક્વાયરીને પગલે એરફેરમાં પણ વધારો થઇ ગયો છે.
આ અંગે ટૂરિઝમ
ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાઓના મતે નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૃ થતાં વિદેશ પ્રવાસ
માટેની ઈન્ક્વાયરીમાં પણ ખૂબ વધારો થયો છે. બે વર્ષ બાદ ઈન્ટરનેશનલ બૂકિંગ માટે ખૂબ
જ વધારે ઈન્ક્વાયરી આવી રહી છે.જેમાં ખાસ કરીને ઉનાળાના વેકેશનમાં ફરવા માટે દુબઇ,
અબુધાબી, સિંગાપોર જેવા સ્થળનો સમાવેશ થાય છે.
' એક મહિના બાદ ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૃ થતાં એરફેરમાં હજુ વધારો થાય તેની સંભાવના
છે. જાણકારોના મતે ઈન્ટનેશનલ ફ્લાઇટના નવા શેડયૂલમાં અમદાવાદથી કેટલીક ફ્લાઇટનો પણ
વધારો પણ કરવામાં આવી શકે છે.
જેના ભાગરૃપે
અમદાવાદ-નૈરોબી ફ્લાઇટ સપ્તાહમાં ચાર દિવસને બદલે દરરોજ, લંડનની ફ્લાઇટ સપ્તાહમાં બે
દિવસને બદલે ૩ દિવસ, મસ્કતની ફ્લાઇટ સપ્તાહમાં ૩ દિવસને બદલે ચાર દિવસ કરવામાં આવી
શકે છે. આ ઉપરાંત સ્પાઇસ જેટની અમદાવાદ-દુબઇ
ફ્લાઇટ ૩ એપ્રિલથી દરરોજ, ફ્લાય દુબઇની અમદાવાદ-દુબઇ સપ્તાહમાં ૩ દિવસ, ઈન્ડિગોની અમદાવાદ-દુબઇ
સપ્તાહમાં ૩ દિવસ, ઈન્ડિગોની અમદાવાદ-કુવૈત
સપ્તાહમાં બે દિવસ માટે શરૃ કરવામાં આવી શકે છે. અમદાવાદથી ૨૫થી વધુ ઈન્ટનેશનલ ફ્લાઇટ આગામી ૨૭ માર્ચ થી ૩ એપ્રિલના
ગાળામાં જ શરૃ થવા લાગે તેની પૂરી સંભાવના છે.
અમદાવાદથી ક્યાં
જવા માટે કેટલું વન-વે એરફેર?
દેશ એરફેર
લંડન રૃ. ૯૬,૪૧૨
સિંગાપોર રૃ. ૩૯,૦૪૨
દુબઇ રૃ. ૨૦,૯૮૮
અબુધાબી રૃ. ૩૨,૫૩૦
કુવૈત રૃ. ૪૪,૧૦૧
(* સરેરાશ એરફેર)




