For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગાંધીનગરઃ ચૂંટણી પહેલાં સરકારી કર્મચારીઓનું આંદોલન રાજ

Updated: Sep 19th, 2022

Article Content Image

- વન રક્ષક-વનપાલ, વીસીઈ યુનિયન, વર્ગ-4ના કર્મચારીઓએ ગાંધીનગરમાં ચક્કાજામ કરીને સરકારનું નાક દબાવવા પ્રયત્ન આરંભ્યો

ગાંધીનગર, તા. 19 સપ્ટેમ્બર 2022, સોમવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ સરકારી કર્મચારીઓ પોતાની માંગણીઓ પૂરી કરાવવા માટે આંદોલનના માર્ગ ઉપર ઉતરી પડ્યા છે. ગાંધીનગરમાં આજ રોજ સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનકારીઓનો ભારે મોટો જમાવડો જોવા મળી રહ્યો છે. 

VCE કર્મચારીઓએ પોતાની જોબ સિક્યોરિટી, કાયમી કરવાની માગણીઓ મામલે ગાંધીનગર ધામા નાખ્યા છે. વન રક્ષકો અને વનપાલ પણ તેમની ગ્રેડ પે, રજાના દિવસે કામનો પગાર, પીટીએ, ભરતી-બઢતીનો રેશિયો 1:3 કરવો, નોકરીનો સમયગાળો નક્કી કરવો સહિતની માગણીઓ સાથે દેખાવો કરી રહ્યા છે. તે સિવાય સરકારી વર્ગ-4ના કર્મચારીઓ પણ તેમની 14 જેટલી માગણીઓ સાથે દેખાવો કરી રહ્યા છે અને તેમણે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપ્યું છે. 

જાણો શું છે વનરક્ષકો-વનપાલની માગણી

ગાંધીનગરમાં આજ રોજ રાજ્યભરના 15,000 જેટલા વનરક્ષકો અને વનપાલ પોતાની 4 મુખ્ય માગણીઓ સાથે યુનિફોર્મમાં દેખાવો પર ઉતર્યા છે. તેમાં 5 વનરક્ષકો રાજ્યના વનમંત્રીને આવેદન પત્ર પાઠવવાના છે. તેઓ છેલ્લા 10 દિવસથી રજા પર છે અને તેમની માગણીઓનો સ્વીકાર નહીં કરવામાં આવે તો ગાંધીનગરમાં અડિંગો જમાવી રાખશે તેવી ચીમકી આપી છે. તેમની માગણીઓ નીચે પ્રમાણે છે-

1. વન રક્ષકને 2,800નો ગ્રેડ પે અને વનપાલને 4,200નો ગ્રેડ-પે આપવામાં આવે.

2. રજાના દિવસે કામગીરી કર્યાનો પગાર આપવામાં આવે, PTA, ડ્રેસ આર્ટીકલ, વોશિંગ એલાઉન્સ અને અન્ય મળવાપાત્ર તમામ ભથ્થાઓ આપવામાં આવે. 

3. ભરતી અને બઢતીનો રેશિયો 1:3 કરવામાં આવે.

4. નોકરીનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવે. 

જાણો શું છે VCE કર્મચારીઓની માગણી

વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર (VCE) જે સરકારની ઈ-ગ્રામ સોસાયટીના નેજા અંતર્ગત કામ કરી રહ્યા છે તેઓ પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા 10 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર પોલીસ દ્વારા તેમના સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને કેટલાક VCE કર્મચારીઓની અટકાયત કરવામાં આવી હોવાની વાત પણ સામે આવી છે. VCE કર્મચારીઓએ અગાઉ રાજ્યપાલ અને મુખ્યમંત્રીને પણ આવેદન આપેલા છે.

VCE કર્મચારીઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપતી હોવા છતા આ-ગ્રામ સોસાયટી દ્વારા VCE કર્મચારીઓના હિતમાં કોઈ પગલાં નથી લેવાતા. આ ઉપરાંત અનેકવાર VCE કર્મચારીઓને ખોટી રીતે છૂટા કરવામાં આવે છે. અગાઉ પણ VCE કર્મચારીઓએ પંચાયત મંત્રી સાથે અનેક બેઠકો કરી હોવા છતાં કોઈ પરિણામ ન આવેલું. આ કારણે મોટી સંખ્યામાં VCE કર્મચારીઓએ આજે ગાંધીનગર ખાતે ઘેરાવો કર્યો છે અને સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવાની સાથે જોબ સિક્યોરિટી સહિત કાયમી કરવાની માગણીઓ ઉચ્ચારી છે. 

વર્ગ-4ના કર્મચારીઓ પણ હડતાળ પર 

આ સિવાય ગુજરાત રાજ્ય સરકારી વર્ગ-4ના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતર્યા છે. તેઓ પોતાની 14 જેટલી માગણીઓ સાથે દેખાવો કરી રહ્યા છે. તેમણે આ મામલે મુખ્યમંત્રીને આવેદન પણ પાઠવ્યું છે. જોકે સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ ન મળતા વર્ગ-4ના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ તેમણે જો સરકાર દ્વારા તેમની માગણીઓનો સ્વીકાર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે તેવી ચીમકી પણ આપી છે.  

ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે સરકાર સાથે કર્મચારી સંયુક્ત મોરચાની બેઠક મળી હતી અને તેમાં આંદોલન મોકૂફ રાખ્યાનું જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ માગણીઓ નહીં સંતોષાઈ હોવાથી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ આંદોલન ચાલુ જ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. શનિવારે રાજ્યભરની સરકારી શાળાઓમાં શિક્ષકો સહિત અન્ય સરકારી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી પડયા હતા. ગાંધીનગરના જૂના સચિવાલયમાં પણ કર્મચારીઓએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને દેખાવો કર્યા હતા. ત્યારે રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા પણ જૂની પેન્શન યોજના સહિતની માગણીઓ સંદર્ભે ચાલી રહેલા આંદોલનને ટેકો આપવામાં આવ્યો છે. આમ ચૂંટણી નજીક આવવાની સાથે જ સરકારી કર્મચારીઓના આંદોલનોને વેગ મળ્યો છે અને તેઓ પોતાની વિવિધ માગણીઓ મુદ્દે સરકારનું નાક દબાવવા પ્રયત્નો કરી રહ્યા છે. 


Gujarat