Gujarat

આજી ડેમમાં ત્રણનાં મોત બાદ લાપતાં યુવાનની પણ લાશ મળી

By GS TEAM
3 May 20261 min read
આજી ડેમમાં ત્રણનાં મોત બાદ લાપતાં યુવાનની પણ લાશ મળી

ન્હાવ જતાં સર્જાઇ હતી દુર્ઘટના

23 કલાકની જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો, દુર્ઘટનાનો મૃતાંક ચાર પર પહાંચ્યો

રાજકોટ: શહેરના આજી ડેમમાં શનિવારે ગોઝારી ઘટના બની હતી. મંદિરે દર્શન કરીને ન્હાવા પડેલા પુત્રને બચાવવા જતાં પિતા-પુત્ર સહિત ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં લાપતા થયેલા મોટા પુત્રના મૃતદેહને આજે બપોરે ડેમમાંથી ફાયર બ્રિગેડ અને સ્ટેટ ડીજાસ્ટર રીઝર્વ ફોર્સની ટીમે શોધી કાઢ્યો હતો. આ સાથે મૃત્યુ આંક ચાર થયો હતો.

જિલ્લા ગાર્ડન પાસે નવી ઘાંચીવાડમાં રહેતા ભરતભાઇ દેવજીભાઇ જાદવ તેનો પુત્ર રોહીત, ધવલ, કેવલ અને ન્યારાખંભાળા ગામે રહેતી સાળીનો પુત્ર ધુ્રવ સંજયભાઇ મકવાણા તમામ બે રિક્ષા લઇને આજી ડેમ ગયા બાદ ત્યાં ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરીને રિક્ષા ધોવાની તૈયારી કરી રહ્યા હતા. 

દરમિયાન મોટો પુત્ર રોહીત ડેમમાં ન્હાવા જતાં તેનો પગ લપસતાં પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવા માટે પિતા સહિત ત્રણ સભ્યોએ છલાંગ લગાવી તેને બચાવવાના પ્રયાસમાં ચારેય પાણીમાં ડૂબી ગયા હતા. જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તુરંત જ ઘટના સ્થળે પહોંચી ભરતભાઇ, તેનાં પુત્ર ધવલ અને સાળીનાં પુત્ર ધુ્રવને મૃત હાલતમાં પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જ્યારે રોહીત લાપતા થયો હતો.

ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમે રોહીતની શોધખોળ શરૂ કરી હતી. ૨૩ કલાકની જહેમત બાદ આજે બપોરે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.