For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગૂગલ પર તમાકુની શોપ સર્ચ કરી રેકી કર્યા બાદ રાતે ચોરી કરતી ટોળકી ઝડપાઈ

હૈદરાબાદથી ટ્રેન કે લકઝરીમાં સુરત આવતા : રેકી કરવા મોપેડ ભાડેથી લેતા હતા

શટર પરના તાળાના ફોટા પાડી ડુપ્લીકેટ ચાવી બનાવતા હતા

Updated: Sep 13th, 2021

Article Content Image

- હૈદરાબાદથી ટ્રેન કે લકઝરીમાં સુરત આવતા : રેકી કરવા મોપેડ ભાડેથી લેતા હતા

- શટર પરના તાળાના ફોટા પાડી ડુપ્લીકેટ ચાવી બનાવતા હતા

સુરત, : સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલી તમાકુની દુકાન સર્ચ કરી બાદમાં મોપેડ ભાડે રાખી રેકી કર્યા બાદ રાત્રે ચોરી કરતી ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી તેમની પાસેથી રૂ.1.89 લાખની કિંમતની બ્રાન્ડેડ સિગારેટ, પાનમસલા અને ગુટખાનો જથ્થો કબજે કર્યો હતો. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર હૈદરાબાદમાં રહેતો રાજસ્થાની યુવાન અગાઉ લાલગેટ વિસ્તારની કાજુની દુકાનમાંથી થયેલી રૂ.31.90 લાખના કાજુની ચોરીમાં વોન્ટેડ છે.

ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે સરદાર માર્કેટ ખાડી બ્રિજ પાસે સર્વિસ રોડ પરથી ગૌતમકુમાર ભંવરસિંહ રાજપુરોહિત ( ઉ.વ.23 ), જગદીશકુમાર પારસમલજી માલી ( ઉ.વ.22 ) ( બંને રહે. ચાગનાવાડી, ઘોષા મહેલ, નામપલ્લી પોલીસ ગ્રાઉન્ડની પાછળ, હૈદરાબાદ. મૂળ રહે.કુસીપ ભીમ ગામ, જી. બાડમેર, રાજસ્થાન ) અને શિવકુમાર ઉર્ફે મનીષ કુલચંદ કુસ્વાહ ( ઉ.વ.21, રહે.ગલેહીટોલા, જી.સતના, મધ્યપ્રદેશ ) ને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.1,89,791 ની કિંમતની જુદીજુદી બ્રાન્ડની સિગારેટ, બીડી, પાનમસાલા, રજનીગંધા ઉપરાંત રૂ.30 હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ.2,19,791 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્રણેયની પુછપરછ કરતા તેમણે ગત 8 મી ની રાત્રી દરમિયાન ડિંડોલી સાંઈ કોમ્પલેક્ષ સ્થિત સાંઈનાથ ટોબેકોમાંથી રૂ.1.89 લાખની મત્તાની તમાકુ પ્રોડક્ટની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

તેમની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ હૈદરાબાદથી ટ્રેનમાં કે લકઝરી બસમાં સુરત આવતા અને તેમનો સાથી શિવકુમાર ઉર્ફે મનીષ ગુગલ પર સુરત શહેરની વિવિધ તમાકુ ગુટખાની દુકાન સર્ચ કરી સરનામું લઇ લેતો. બાદમાં દિવસ દરમિયાન ઓનલાઈન મોપેડ ભાડે લઈ તેઓ તે દુકાને જતા હતા. ત્યાં જગદીશકુમાર સેલ્સમેન બની જઈ રેકી કરતો. બાદમાં રાત્રે તેઓ ફરી તે દુકાન પર જતા અને શટરમાં લગાવેલા તાળાના ફોટા પાડી તેની ડુપ્લીકેટ ચાવી બનાવડાવી શટર ખોલી ચોરિયુ કરતા હતા. જે તાળાની ચાવી બનાવવામાં તકલીફ થતી ત્યાં તેઓ માસ્ટર કી નાખી છાપ લઈ લેતા હતા. ચોરેલો સામાન ગૌતમ અને જગદીશકુમારે હાલમાં જ શરૂ કરેલી તમાકુની એજન્સી મારફતે વેચતા હતા. અગાઉ સુરતમાં તેમણે ત્રણેક વખત પ્રયાસ કર્યો હતો પણ ડિંડોલીમાં જ મોટી સફળતા મળી હતી.

Article Content Image


સૂત્રધાર ગૌતમકુમાર રાજપુરોહિત અગાઉ લાલગેટની શોપમાંથી રૂ.31.90 લાખના કાજુની ચોરીમાં વોન્ટેડ

મુખ્ય સૂત્રધાર ગૌતમ અગાઉ સુરતમાં લાલગેટ વિસ્તારમાં કાજુની દુકાનમાં નોકરી કરતો હતો અને તે સમયે તેણે દુકાનની ડુપ્લીકેટ ચાવી બનાવી ગત જાન્યુઆરી માસમાં શિવકુમાર અને ઓમપ્રકાશ સાથે મળી કુલ રૂ.31,89,670 ની મત્તાની કાજુની 317 પેટીની ચોરી કરી હતી. તે ગુનામાં ઓમપ્રકાશ પકડાઈ ગયો હતો જયારે ગૌતમ અને શિવકુમાર વોન્ટેડ છે.

Gujarat