For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હી બાદ અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ, પોલીસ તંત્ર દોડતું થયું

Updated: May 6th, 2024

દિલ્હી બાદ અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ, પોલીસ તંત્ર દોડતું થયું

Representative Image 

 


Ahemdabad bomb threat news | તાજેતરમાં જ દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાડી દેવાની ધમકી અપાયા બાદ હવે અમદાવાદની પણ કેટલીક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાવી નાખવાની ધમકીથી હડકંપ મચી ગયો છે. ધમકીની જાણ થતાં જ પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ દોડતી થઈ હતી અને તપાસ હાથ ધરી હતી. 

રશિયન સર્વરથી ધમકી મળ્યાંના અહેવાલ 

માહિતી અનુસાર રશિયન સર્વરમાંથી આ ધમકી આવ્યાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ગુજરાત સહિત અમદાવાદમાં પણ મતદાન યોજાવાનું છે ત્યારે કેટલીક સ્કૂલોમાં પણ મતદાન મથકો ગોઠવાયા છે. જેના લીધે આવી ધમકીથી હવે પોલીસતંત્ર દોડતું થઈ ગયું છે અને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અફવા સાબિત થઇ હતી. 

સ્કૂલોમાં ડોગ સ્કવોડથી ચેકિંગ

અમદાવાદ શહેરમાં આવેલી કેટલીક સ્કૂલોને ધમકી ભર્યા ઈ-મેઈલ મળ્યા હતા, જેને ગંભીરતાથી લઈ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, એસ.ઓ.જી. અને અમદાવાદ પોલીસે તાત્કાલીક બી.ડી.ડી.એસ. ચેકીંગ, ડોગ સ્કવોડ દ્વારા સ્કૂલોનુ ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે હાલમાં ત્યાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે અન્ય કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવેલ નથી, તેમજ આ વિસ્તારોમા પોલીસ પેટ્રોલિંગ શરુ કરાયું છે. ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો ટેકનિકલ ઈન્વેસ્ટિગેશન દ્વારા તપાસ ચાલુ છે. અમદાવાદ પોલીસ દ્વારા જે સ્કૂલોને ધમકી ભર્યા મેઈલ મળ્યા છે ત્યાં ગંભીરતાપૂર્વક તપાસ કરાઈ રહી છે.  અમદાવાદ પોલીસ દ્વારા અપીલ કરાઈ છે કે, કોઈએ આ બાબતે ગભરાવવાની જરુર નથી તેમજ સોશિયલ મીડિયા પર આવી કોઈ પણ પ્રકારની અફવાઓ કે ખોટા મેસેજોથી દૂર રહેવું, શાંતિ રાખવી અને સાવધાન રહેવું.

પોલીસ અને શિક્ષણ વિભાગ સંપર્કમાં છે

આ અંગે ક્રાઇમ બ્રાંચના ડીસીપી અજીત રાયજને જણાવ્યું કે, ‘પોલીસ વિભાગ આ મામલે શિક્ષણ વિભાગ તેમજ વિવિધ શાળાઓના સંપર્કમાં છે. બોમ્બની ધમકીનો ઈમેઇલ ચોક્કસ સર્વર પરથી અમદાવાદની અન્ય સ્કૂલોમાં મળ્યાની પણ શક્યતા છે, જેથી બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડની વિવિધ ટીમ દ્વારા કામગીરી કરાશે.’ 

નેતાઓના મતદાનને પગલે એજન્સીઓમાં દોડધામ

અમદાવાદમાં મંગળવારે રાણીપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નારણપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઘાટલોડિયામાં આનંદીબેન પટેલ મતદાન કરવાના છે. આ સાથે ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓ પણ મતદાન કરવાના છે. તેથી આ વાતને ગંભીરતાથી લઈને પોલીસ કમિશનર જી.એસ. મલિકે ક્રાઇમ બ્રાંચ, એસઓજી, સાયબર ક્રાઇમ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ મામલે વિશેષ ટીમ બનાવીને તપાસ કરવાની સૂચના આપી હતી. તેમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને પોલીસ સ્ટાફ દ્વારા સ્કૂલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જોકે તેમાં કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી ન હતી. આ ઉપરાંત 23 પૈકી કેટલીક સ્કૂલમાં મંગળવારે  મતદાન હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો હતો. 

ખાસ સર્વરથી કાર્ડ વેબથી ઇમેઇલ કરાયાની આશંકા

અમદાવાદની વિવિધ સ્કૂલોને મળેલા ઇમેઇલ અંગે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ‘આ ઇમેઇલ  ખાસ સર્વરથી તૈયાર કરાયેલા ડોમેઇનથી ડાર્ક વેબની મદદથી મોકલાયા છે. જેથી તેને ટેકનિકલી ટ્રેક કરવામાં લાંબો સમય જાય છે. દિલ્હી અને અમદાવાદમાં આવેલા ધમકીના ઇ-મેઇલ એક જ ડોમેઇન પરથી આવ્યા  છે.


કંઈ સ્કૂલોને મળ્યો ધમકીભર્યો ઈ-મેઈલ

  1. આર.બી. કેન્ટોન્મેન્ટ એ.પી.એસ. સ્કૂલ, શાહીબાગ 
  2. કેન્દ્રીય વિદ્યાલય, ઓ.એન.જી.સી. ચાંદખેડા 
  3. ન્યૂ નોબલ સ્કૂલ, વ્યાસવાડી, કઠવાડા નરોડા 
  4. કેન્દ્રીય વિદ્યાલય, સાબરમતી 
  5. ગ્રીનલોન્સ સ્કૂલ, જેઠાભાઈની વાવ પાસે, વટવા 
  6. મહારાજા અગ્રસેન વિદ્યાલય, મેમનગર 
  7. આનંદ નિકેતન સ્કૂલ, સેટેલાઈટ 
  8. એશિયા ઈંગ્લિશ સ્કૂલ, વસ્ત્રાપુર 
  9. કેલોરેક્સ સ્કૂલ, ઘાટલોડિયા 
  10. ત્રિપદા સ્કૂલ, ઘાટલોડિયા 
  11. કુમકુમ વિદ્યાલય, ઘોડાસર
  12. એચ.બી. કે. સ્કૂલ, મેમનગર
  13. ઝાયડસ સ્કૂલ, ગોધાવી
  14. શિવાશિષ સ્કૂલ, બોપલ
  15. એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલ, બોપલ
  16. ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલ, બોપલ
  17. એલ.ડી.આર. સ્કૂલ, બોપલ
Gujarat