સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બાદ અમદાવાદમાં સેશન્સ જજ પર બે વાર જૂતા ફેંકાતા ચકચાર

Ahmedabad News: ભગવાન વિષ્ણુને લઇ વિવાદિત ટિપ્પણી કરવાના વિવાદમાં સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ બી.આર.ગવઇ પર એક એડવોકેટ દ્વારા જૂતુ ફેંકવાની ઘટનાનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં મંગળવારે (14 ઓક્ટોબર) અમદાવાદમાં ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં સાતમા માળે આવેલી કોર્ટના એડિશનલ પ્રિન્સિપાલ સેશન્સ જજ એમ.પી.પુરોહિત પર એક ફરિયાદી દ્વારા બે વખત જૂતા ફેંકવાનો હીન પ્રયાસ થયો હતો. જેને પગલે સમગ્ર રાજય ન્યાયતંત્રમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ગુજરાતના ન્યાયતંત્રમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા હતા. ફરિયાદીએ જજ પર એટલા માટે જૂતા ફેંકયા કારણ કે, ગોમતીપુર વિસ્તારમાં વર્ષ 1997ના મારામારી અને હથિયારથી હુમલો કરવાના કેસમાં કોર્ટે ચાર આરોપીઓને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ છોડી મૂકતાં ફરિયાદીનો પિત્તો ગયો હતો અને તેણે પોતાનો આક્રોશ વ્યકત કરવા જજ પુરોહિતની કોર્ટમાં પહોંચી અસભ્ય વર્તન કરવા સાથે બે વખત જૂતા ફેંકયા હતા.
આ પણ વાંચોઃ ટેટ-1 પરીક્ષા 14 ડિસેમ્બરથી નવા નિયમો સાથે લેવાશે, પરીક્ષાના સમય અને અભ્યાસક્રમ ફેરફાર
જો કે, જૂતા જજ સુધી પહોંચી શક્યા ન હતા પરંતુ તેમ છતાં આ સમગ્ર વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. સેશન્સ કોર્ટમાં જજ પર ફરિયાદી દ્વારા જૂતા ફેંકાયાની ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતાં વકીલો-પક્ષકારોમાં પણ ભારે ચર્ચા ચાલી હતી અને બાદમાં છેક ગુજરાતના ન્યાયતંત્રમાં તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. બીજીબાજુ, ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન દ્વારા આ સમગ્ર ઘટનાને વખોડી તેની ભારે નિંદા કરવામાં આવી હતી.
શું હતી ઘટના?
ચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે, ગોમતીપુર વિસ્તારમાં વર્ષ 1997માં મારામારી અને હથિયારથી હુમલો કરવાના કેસમાં વર્ષ 2017માં મેટ્રોપોલિટન કોર્ટે કેસના ચારેય આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યા હતા, જેની સામે સેશન્સ કોર્ટમાં અપીલ થઈ હતી. આ અપીલની સુનાવણીના અંતે એડિશનલ પ્રિન્સિપાલ સેશન્સ જજ એમ.પી.પુરોહિતે અપીલ ફગાવી દઈ તમામ ચાર આરોપીઓને નિર્દોષ ઠરાવ્યા હતા અને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મૂકવાનો નીચલી કોર્ટનો હુકમ કાયમ રાખ્યો હતો. જેથી છેલ્લા 28 વર્ષથી કાનૂની લડત લડી રહેલા ફરિયાદીનો આક્રોશ બેકાબૂ બન્યો હતો અને બપોરે એક વાગ્યાની આસપાસ તે અચાનક જજ પુરોહિતની કોર્ટમાં ઘૂસી ગયો હતો. ફરિયાદી ત્યાં પહોંચી ભારે આક્રોશ અને ઉશ્કેરાટ વચ્ચે અસભ્ય વર્તન કરવા લાગ્યો હતો. કોઈ કંઈ સમજે વિચારે એ પહેલાં જ ફરિયાદીએ આવેશમાં આવી ઉશ્કેરાટમાં પોતાના પગમાં પહેરલા જૂતા કાઢી એક પછી એક એમ બે વખત જૂતા જજ પર ફેંકયા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદમાં પ્રહલાદનગરમાં ટેમ્પો-કાર વચ્ચે જોરદાર ટક્કર, ઓવરસ્પીડના કારણે સર્જાયો અકસ્માત
પોલીસે કરી અટકાયત
આ ઘટના જોઈ વકીલો-પક્ષકારો અને સ્ટાફના લોકો ચોંકી ઉઠયા હતા અને તરત જ ફરિયાદીને પકડી તેને કોર્ટમાં જ બેસાડી દઈ કારંજ પોલીસને જાણ કરી હતી. કારંજ પોલીસે આવીને ફરિયાદીની અટકાયત કરી હતી. જો કે, જજ તરફથી ભારે ઉદારતા દાખવી આ મામલે કોઈ ફરિયાદ નહીં કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે, આ ઘટનાએ ગુજરાતના સમગ્ર ન્યાયતંત્ર અને વકીલો-પક્ષકારોમાં જબરદસ્ત ચકચાર જગાવી હતી. ખાસ કરીને સમગ્ર શહેરમાં જજ પર જૂતા ફેંકવાની આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની રહી હતી.
શું હતો મૂળ મારામારી અને ઝઘડાનો કેસ?
શહેરના ગોમતીપુર વિસ્તારમાં 16 ફેબ્રુઆરી, 1997ના દિવસે કેટલાક યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા એ વખતે ત્યાં શાકભાજી ખરીદીને પરત ફરી રહેલા સાજીદ અલી નામના વૃદ્ધને બોલ વાગતાં ઝઘડો થયો હતો અને વાત વણસતાં મારામારી થઈ હતી. ક્રિકેટ રમી રહેલા યુવકોએ વૃદ્ધ અને તેના પુત્ર તથા અન્ય લોકો પર તલવાર, સ્ટમ્પ અને બેટ વડે હુમલો કર્યો હતો. જે બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હુમલાનો ભોગ બનનાર ફરિયાદીના પુત્ર જાફર અલીએ ચાર આરોપીઓ વિરૂદ્ધ મારામારી અને હથિયારથી હુમલો કરવા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ચારેય આરોપીઓ મેટ્રો કોર્ટમાં અને બાદમાં સેશન્સ કોર્ટમાં અપીલની સુનાવણીના અંતે નિર્દોષ જાહેર થઈ છૂટી ગયા હતા, તેથી ફરિયાદી બહુ રોષે ભરાયો હતો અને ન્યાય નહીં મળ્યાની લાગણી અને આઘાતમાં મગજ ગુમાવી જજ પર જૂતા ફેંકવાનું હીન કૃત્ય આચરી બેઠો હતો.
કોર્ટ સંકુલોના રક્ષણ માટે સુરક્ષાની માંગ
આ દરમિયાન, ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશને જજ પર જૂતા ફેંકવાની ઘટનાની નિંદા કરતાં જણાવ્યું કે, આ પ્રકારના કૃત્યો ન્યાયતંત્રની સ્વતંત્રતા, ગૌરવ, સુરક્ષા અને કામગીરી પર સીધો હુમલો છે. કાયદાનું શાસન, ન્યાયતંત્રમાં જાહેર વિશ્વાસ અને બંધારણીય શાસન એ સમયની માંગ છે. કોર્ટ ભય, ધાકધમકી અને હિંસાથી મુકત રીતે કાર્ય કરે છે. ન્યાયિક અધિકારીઓ, કોર્ટ પરિસર અથવા તેમના માળખાને કોઇપણ પ્રકારે ધમકીઓ અથવા હુમલાઓ લોકશાહી અને ન્યાયના પાયાને નબળી પાડે છે. એસોસિએશન દ્વારા રાજય સરકાર, ગૃહ વિભાગ, પોલીસ અને સુરક્ષા એજન્સીને ઉદ્દેશીને તાત્કાલિક ધોરણે ન્યાયિક અધિકારીઓ, કોર્ટ સ્ટાફ અને કોર્ટ સંકુલોના રક્ષણ માટે ફુલપ્રુફ સુરક્ષા કવચ તૈનાત કરવા માંગણી કરાઈ છે.