મહાપાલિકાના કેટલાક કર્મચારીઓ માટે ભાજપે 3 વર્ષમાં ફરી બઢતીના નિયમમાં ફેરફાર કર્યાની ચર્ચા

- ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં 64 ઠરાવ મંજૂર કરાયા
- લ્યો બોલો, મહાપાલિકામાં વર્ગ ૧-ર ના કર્મચારીઓને બઢતી આપવા હવે સ્નાતકની જરૂર નહીં, અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ કરાયો અને કારણો પણ જાહેર ન કર્યા
મહાપાલિકાના હોલ ખાતે આજે મંગળવારે સાંજે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળી હતી. સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં જુદા જુદા ઠરાવ અંગે સમીક્ષા કર્યા બાદ કુલ ૬૪ ઠરાવને બહાલી આપવામાં આવી હતી, જેમાં મહાપાલિકાના વર્ગ ૧-ર ના કર્મચારીઓને બઢતી આપવા માટે નિયમમાં ફેરફાર કરવામાં આવેલ છે અને હવે કર્મચારીઓને બઢતી આપવામાં સ્નાતકની જરૂરીયાત રહેશે નહીં. ધો-૧૦-૧ર પાસ કર્મચારીઓને પણ વર્ગ ૧-ર માં બઢતી આપવામાં આવશે. મહાપાલિકાએ ગત વર્ષ ર૦ર૩ માં બઢતીના નિયમમાં ફેરફાર કરી સ્નાતક કર્યુ હતુ અને હવે ફરી અચાનક બઢતીના નિયમમાં ફેરફાર કરવામાં આવતા ચર્ચાનો દૌર જામ્યો છે. મહાપાલિકાના કેટલાક ચોક્કસ કર્મચારીને બઢતી આપવા માટે સત્તાધારી ભાજપે નિયમમાં ફેરફાર કર્યા હોવાનુ કર્મચારીઓમાં ચર્ચાય રહ્યુ છે. આ ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યો હતો અને આ ઠરાવ શું કામ કરવામાં આવ્યો ? તેના કારણો પણ ચેરમેને જણાવ્યાં ન હતા તેમ સુત્રોએ જણાવેલ છે.
ઉપરાંત દિવાળી પર્વમાં સરકારની સૂચના અનુસાર કમિશનરે રજા જાહેર કરી છે તેની હકીકત જાહેર કરવામાં આવી હતી. શહેરના જુદા જુદા વિસ્તારમાં લાઈટીંગ, પેવીંગ બ્લોક, આરસીસી રોડ, પેવર રોડ સહિતના રૂા. પર.૯૪ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતાં.
વિદ્યાર્થીની અવસાન સહાય વધારીને રૂા. 40 હજાર કરાઈ
ભાવનગર મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં કોઈપણ વિદ્યાર્થીનું આકસ્મિક-કુદરતી અવસાન થાય તો રૂા. ર૦ હજાર અવસાન સહાય આપવામાં આવતી હતી પરંતુ આજે સ્ટેન્ડિંગ કમિટિમાં અવસાન સહાય હવે રૂા. ૪૦ હજાર આપવા નિર્ણય કરવામાં આવેલ છે.
આખલોલ જકાતનાકા પાસે નાઈટ શેલ્ટર બનાવવા રૂા. 14.83 કરોડનો ખર્ચ કરાશે
ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા પાસે આવેલ ફુલસર-ર (એ) અંતિમ ખંડ-ર૩ ની જગ્યામાં નાઈટ શેલ્ટરનું બાંધકામ કરવાના કામ માટે રૂા. ૧૪.૮૩ કરોડનો ખર્ચ કરાશે. આ બાબતે લાંબી ચર્ચા ચાલી હતી અને નાઈટ શેલ્ટર બનાવવા આટલો મોટો ખર્ચ કરાતા સવાલો પણ ઉઠી રહ્યા છે.