રાજકોટ અમિત ખૂંટ આપઘાત કેસઃ અનિરુદ્ધ અને રાજદીપ જાડેજા સહિત બે યુવતી સામે નોંધાઈ ફરિયાદ

Rajkot News: રાજકોટમાં સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન કરીને તેના પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી. મૂળ સાવરકુંડલાની, મોડેલિંગ સાથે જોડાયેલી સગીરાએ રીબડાના અમિત ખૂંટ સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે યુવકે દુષ્કર્મના આરોપના આઘાતમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો દાવો કરાયો હતો. પરંતુ હવે અમિત ખૂંટની સ્યુસાઈડ નોટ સામે આવી છે, જેમાં તેણે અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. પરિવારે આ મામલે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે અને આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
સ્યુસાઈડ નોટમાં ગંભીર આરોપ
મૃતક અમિત ખૂંટે સ્યુસાઈડ નોટમાં ગંભીર આરોપ લગાવ્યા છે, જેમાં ઉલ્લેખ કર્યો છે કે, 'હું અનુભા, રાજદીપ અને એક યુવતીના ત્રાસથી અને દબાણથી આત્મહત્યા કરું છું.' બીજી તરફ રીબડાના સ્થાનિક અગ્રણી ગોવિંદ સગપરિયાએ અનિરુદ્ધસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘અમિત ખૂંટને આપઘાત કરવા માટે અનિરુદ્ધસિંહ જાડેજાએ મજબૂર કર્યો હતો.' આ ઉપરાંત તેમણે કાવતરું આચરનારની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.

અનિરુદ્ધ અને રાજદીપ જાડેજા સામે ફરિયાદ નોંધાઈ
આ આપઘાતને લઈને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને બે યુવતીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108, 61(2), 54 મુજબ ફરિયાદ નોંધાઈ છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ બે યુવતીઓ સાથે મળીને અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવીને બદનામ કરવાનું કાવતરું રચવું અને દુષ્કર્મનો ખોટો કેસ કરીને આત્મહત્યા માટે મજબૂર કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
જાણો શું છે મામલો
સાવરકુંડલાની 17 વર્ષની સગીરાએ અમિત ખૂંટ પર આરોપ લગાવ્યો હતો કે, 'છેલ્લા બે મહિનાથી તે રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડેલિંગ કરતી હતી. આ સમય દરમિયાન તેને રીબડા ગામના અમિત દામજી ખૂંટ નામના પટેલ યુવાન સાથે પરિચય થયો હતો અને બંને અવારનવાર મળતા હતા. ત્યારે યુવાને સગીરાને જ્યુસમાં બેભાન કરવાની દવા પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું.'
જો કે, પોલીસ તપાસ શરૂ થાય તે પહેલાં જ અમિત ખૂંટે પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. યુવાને ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાધો હતો. પોલીસને ઝાડ પર પ્લાસ્ટિકની બે થેલીઓ લટકતી મળી આવી હતી. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.


