Gujarat

સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ

By GS TEAM
18 Nov 20252 mins read
સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ

ગાંધીનગર નજીક આવેલા પેથાપુરમાં ત્રણ વર્ષ અગાઉ

ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો ઃ ૩૦ હજારનો દંડ  સગીરાને ચાર લાખ રૃપિયા વળતર ચૂકવવા માટે પણ હુકમ

ગાંધીનગર :  ગાંધીનગરના પેથાપુર ખાતે ત્રણ વર્ષ અગાઉ સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને અપહરણ કરીને લઈ જઈ બળાત્કાર ગુજારનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુર ગામમાં રહેતી પરિવારની દીકરીને ગત ૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ આરોપી હરેશકુમાર ઉર્ફે લાલભાઈ મેઘજીભાઈ ચૌધરીએ પ્રેમ જાળમાં ફસાવીને તેણીનું અપરણ કરીને લઈ ગયો હતો. ત્યારબાદ તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. જે ઘટનાને પગલે સગીરાના પિતા દ્વારા પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. જેના આધારે ગાંધીનગરની સ્પે. પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ જે. એન. ઠક્કરની કોર્ટમાં ચાલ્યો હતો.જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ.પંડયા દ્વારા ભોગ બનનાર સગીરા અને અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી . ત્યારબાદ વકીલે રજૂઆત કરી હતી કે, ભોગ બનનાર દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. જેના પગલે આરોપીને કાયદામાં દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી હરેશકુમાર ઉર્ફે લાલભાઈ મેઘજીભાઈ ચૌધરીને બળાત્કાર અને પોક્સો એક્ટની કલમ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને ૩૦ હજાર રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ભોગ બનનાર સગીરાને ચાર લાખ રૃપિયા વળતર ચૂકવી આપવા માટે પણ હુકમ કરવામાં આવ્યો હતો.