Get The App

વાઘોડિયા કોર્ટમાંથી સુરતનો દારૃના ગુનાનો આરોપી રફુચક્કર થઇ ગયો

કોર્ટ દ્વારા જેલ વોરંટ ભરવાની કાર્યવાહી ચાલતી હતી અને પોકાર કર્યો તો કાંતિલાલ પુરોહિત ફરાર થયો હોવાનું જણાયું

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
વાઘોડિયા કોર્ટમાંથી સુરતનો દારૃના ગુનાનો આરોપી રફુચક્કર થઇ ગયો 1 - image

વડોદરા, તા.26 વાઘોડિયા કોર્ટમાં હાજર થયેલા સુરતના દારૃના કેસના આરોપીને ન્યાયાધીશે જેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યા બાદ તે કોર્ટમાંથી ફરાર થઇ જતા તેની સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૧૯માં નોંધાયેલા દારૃના ગુનામાં પોલીસે કાંતિલાલ ખગારરામજી પુરોહિત (રહે.સુડા આવાસ, વેસુ, સુરત)ની તે સમયે ધરપકડ કરી તેની સામે વાઘોડિયા કોર્ટમાં ઓગસ્ટ ૨૦૨૦માં ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ કોર્ટમાં તેની વિરુધ્ધમાં કેસ ચાલતો હતો. પરંતુ કોર્ટમાં મુદત પડે ત્યારે તે સતત ગેરહાજર રહેતો હતો.

દરમિયાન કોર્ટે કાંતિલાલ પુરોહિત વિરુધ્ધમાં ધરપકડનું વોરંટ ઇસ્યૂ કરતા તા.૨૫ના રોજ કોર્ટની મુદતમાં તે પોતાના વકીલ મારફતે હાજર થયો હતો. વોરંટ રદ કરાવવા બાબતની અરજી લગત કોર્ટે હુકમ કરી કાંતિલાલને કોર્ટ કસ્ટડીમાં લેવાયો હતો. આરોપી કાંતિલાલને કોર્ટ રૃમમાં પાછળના ભાગે આરોપીઓને બેસવા માટે બનાવેલી જગ્યામાં બેસાડયો  હતો. આરોપી ઢળતી બપોરે ૪-૧૦ વાગ્યા સુધી હતો.

કોર્ટે જેલ વોરંટ ભરવા જણાવતા તેની કાર્યવાહી ચાલતી હતી અને બોર્ડ ક્લાર્ક દ્વારા કાંતિલાલના નામનું પોકાર કરતા તે જણાયો ન હતો. કોર્ટમાંથી તે નાસી ગયો હોવાનું જણાતા ન્યાયાધીશે તેની વિરુધ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા જણાવતા કોર્ટના રજિસ્ટ્રાર કમ નાઝર ભરત દુદાભાઇ મકવાણાએ કાંતિલાલ વિરુધ્ધ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.