Get The App

ગોધરા નજીક વાવડીખુર્દ પાસે સ્કોર્પિયોએ બે બાઇકને ટક્કર મારતા બે મિત્રો સહિત ૩ના મોત

દરૃણિયા ગામના બે મિત્રો ટુવા ગામે લગ્નમાં જવા નીકળ્યા અને અકસ્માત ઃ ગાડી મૂકી ચાલક ભાગી ગયો

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
ગોધરા નજીક વાવડીખુર્દ પાસે સ્કોર્પિયોએ બે બાઇકને ટક્કર મારતા બે મિત્રો સહિત ૩ના મોત 1 - image

ગોધરા,તા.૧૦ પંચમહાલ જિલ્લાના અમદાવાદ-ગોધરા હાઈવે પર વાવડી ખુર્દ ટોલનાકા પાસે આજે મળસ્કે એક સ્કોપયોના ચાલકે બે બાઈકને જોરદાર ટક્કર મારતા લગ્નમાં ગયેલા અને બાઇક પરથી ઉછળીને પડેલા બે મિત્રો સહિત ત્રણના ઘટનાસ્થળ પર કમકમાટીભર્યા મોત નિપજ્યા  હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા તાલુકાના દરૃણિયા ગામમાં રહેતો વિશાલ લક્ષ્મણ પરમાર ટુવા ગામમાં રહેતા સંબંધી દિલીપ ડાહ્યાભાઇ પરમારના ઘેર લગ્ન હોવાથી ગઇકાલે સાંજે તેના મિત્ર જયદીપ ખેંગાર વણકર (રહે.દરૃણિયા, તા.ગોધરા) સાથે એક બાઇક પર લગ્નમાં જવા નીકળ્યો હતો. ઘરના સભ્યોએ બંનેને ફોન કરતા મોડી રાત્રે બંનેએ વાત કરી હતી.

ત્યારબાદ બંનેના ફોન લાગતા  ન હતા અને બાદમાં ખબર પડી હતી કે વાવડીખુર્દ પાસે અકસ્માત થયો છે જેથી સંબંધીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા ત્યારે રોડ પર બે બાઇક પડી હતી તેમજ નજીકમાં એક કાળા રંગની સ્કોર્પિયો ગાડી હતી અને તેનો ચાલક ફરાર થઇ ગયો હતો. રોડ પર વિશાલ (ઉ.વ.૨૦) અને તેની પાછળ બેસેલ જયદીપ (ઉ.વ.૧૬)નું મૃત્યુ થયું હતું. 

સ્કોર્પિયોએ અન્ય એક બાઈકને પણ અડફેટે લીધી હતી, જેમાં બાઈક સવાર ૩૫ વર્ષના નરેન્દ્રભાઈ ગણપતભાઈ પરમાર (રહે.સામલી બેટીયા,તા.ગોધરા)નું પણ ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અકસ્માત કર્યા બાદ સ્કોપયોનો ચાલક ગાડી ઘટનાસ્થળ પર જ મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટયો હતો. આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.