Gujarat

કોમર્સ ફેકલ્ટીમાં જાળીનું તાળું તોડ્યું, 1000 વિદ્યાર્થીઓનું લેક્ચર બગડયું

By GS TEAM
19 Nov 20251 min read
કોમર્સ ફેકલ્ટીમાં જાળીનું તાળું તોડ્યું, 1000 વિદ્યાર્થીઓનું લેક્ચર બગડયું

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું એનસીસીમાં એનરોલમેન્ટ નહીં થઈ રહ્યું હોવાના મુદ્દે એબીવીપીના કાર્યકરોએ ફેકલ્ટી માથે લીધી હતી.એબીવીપીના  કાર્યકરોએ કરેલા દેખાવોના કારણે ૧૦૦૦ વિદ્યાર્થીઓ પહેલા બે  લેક્ચર એટેન્ડ કરવાથી વંચિત રહી ગયા હતા.

એબીવીપી દ્વારા આજે ફરી ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા.ફેકલ્ટી ડીન ઓફિસમાં હાજર નહીં હોવાથી સ્ટાફે ડીનની ઓફિસને અને તેની આગળ લાગેલી જાળીને તાળું મારી દીધું હતું.એબીવીપીના કાર્યકરોએ પથ્થર વડે આ તાળું તોડી નાંખ્યું હતું અને જાળીને પણ નુકસાન પહોંચાડયું હતું.

બીજી તરફ ફેકલ્ટી ડીન પ્રો.જે કે પંડયાએ કહ્યું હતું કે, એનસીસીના અધિકારીઓ સાથે અમારી બેઠક થઈ છે અને તેમણે એક સપ્તાહમાં એનરોલમેન્ટ કરવાની ખાતરી આપી હોવાથી તેની નોટિસ પણ અમે બોર્ડ પર મૂકી દીધી છે.આમ છતા એબીવીપીના કાર્યકરોએ આજે ધમાલ કરી હતી.