Get The App

કડી-વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી: AAPના ઉમેદવાર અને સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
કડી-વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી: AAPના ઉમેદવાર અને સ્ટાર પ્રચારકોની યાદી જાહેર 1 - image


Kadi assembly by-elections : કડી અને વિસાવસર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ)એ કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જગદીશ ચાવડાના નામની જાહેરાત કરી હતી. જ્યારે વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે. ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે 'કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે. આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે. 

ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા વિસાવસર વિધાનસભા બેઠક ખાલી પડી હતી. તો બીજી તરફ કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થતાં કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જેથી આગામી મહિને કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, આ માટે 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને પરિણામો જાહેર થશે.

AAPએ જાહેર કર્યું સ્ટાર પ્રચારકનું લિસ્ટ, કોણ કોણ કરશે

ગુજરાતમાં કડી અને વિસાવદર પેટાચૂંટણી માટે બંને ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, મનીષ સિસોદિયા, રાઘવ ચડ્ઢા, સુનિતા કેજરીવાલ, ઇસુદાન ગઢવી સહિતના 20 સ્ટાર પ્રચારકોનો સમાવેશ કર્યો છે. 


આ પણ વાંચો: વિસાવદર અને કડીમાં જાતિગત સમીકરણનો ખેલ: કડી બેઠક ભાજપ-કોંગ્રેસ માટે માથાનો દુ:ખાવો

કડી અને વિસાવદર વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ(ગ્રામ્ય) અને અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તમામ ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીઓ હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે.

રાજ્ય ચૂંટણી આયોગના જણાવ્યા અનુસાર, ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 15(1) અને ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994ના નિયમ 9(2) અને 70 મુજબ રાજ્યની કુલ 8326 જેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી યોજવા તારીખો નક્કી કરાઈ છે. 

મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના તા.29-05-2025ના પત્રથી જણાવ્યા મુજબ, વિધાનસભાની પેટા ચૂંટણી-2025ની કામગીરીમાં સંબંધિત વિધાનસભા મતવિભાગોનો તમામ સ્ટાફ ચૂંટણી કામગીરીમાં રોકાયેલ છે, જેથી 24-કડી (અ.જા) વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ કડી અને જોટાણા તાલુકા તથા 87-વિસાવદર વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ(ગ્રામ્ય) તથા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તમામ ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીઓ હાલ પુરતી મુલતવી રાખવામાં આવે છે. આ તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હવે પછી નવેસરથી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. 

પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા

કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ ઝપલાવ્યું છે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ કડીના ઉમેદવાર તરીકે ગિરીશ કાપડિયા અને વિસાવદર બેઠક પરથી કિશોરભાઇ કાનકડ ( કાનપરિયા)ના નામની જાહેરાત કરી છે. 
કડી-વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી: AAPના ઉમેદવાર અને સ્ટાર પ્રચારકોની યાદી જાહેર 2 - image

કડી બેઠકનો ઇતિહાસ

કડી બેઠક વર્ષ 2012માં અનુસૂચિત જાતિ અનામત બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસના રમેશ ચાવડા ભાજપના હીતુ કનોડિયાને હરાવી વિજયી બન્યા હતા. વર્ષ 2017માં ભાજપના સ્વ. કરશન સોલંકીએ કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય રમેશ ચાવડાને હરાવ્યા હતા અને વર્ષ 2022માં ભાજપે રિપીટ કરેલ સ્વ. કરશન સોલંકીએ કોંગ્રેસના પ્રવીણ પરમારને હરાવ્યા હતા. વર્ષ 2025ની શરૂઆતમાં સિટિંગ ધારાસભ્ય કરશન સોલંકીનું અકાળે અવસાન થતાં બેઠક ખાલી થઈ હતી, જેના માટે હવે ચૂંટણી જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ કરાઈ સ્થગિત

ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી મૂંઝવણમાં

ગુજરાતની બંને પ્રમુખ પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ મોટાભાગની ટિકિટોની વહેંચણી જાતિગત અને પેટા જાતિગત સમીકરણોને બેસાડીને જ કરે છે. જેમાં બંને પાર્ટીઓ ચોકસાઇ વર્તે છે કે કોઈ સમાજ નારાજ ન થઈ જાય અને રહી ન જાય. આ પૈકી અનુસૂચિત જાતિ માટે વિધાનસભામાં 13 બેઠકો અનામત છે. જેમાં વર્ષ 2022 ડિસેમ્બરના પરિણામોમાં 13 બેઠકોમાંથી 9 પુરુષ અને 4 મહિલા ધારાસભ્ય સભ્ય બન્યા હતા. જેમાં કોંગ્રેસના 2 અને ભાજપના 11, જેમાં ભાજપના 11માંથી 2 રોહિત સમાજના ધારાસભ્ય હતા અને 1 અતિ પછાત અને 8 વણકર સમાજના ધારાસભ્યો બન્યા હતા.

કડી અનામત બેઠક પર વર્ષ 2017માં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ રોહિત સમાજના ઉમેદવારને ટિકિટ આપી હતી અને વર્ષ 2022માં પણ બંને પાર્ટીએ રોહિત સમાજના ઉમેદવારને ટિકિટ આપી હતી. જેથી હવે પેટા ચૂંટણીમાં પણ પેટા જાતિ સમીકરણોને જોઈને બંને પાર્ટી આ જ રીતે ટિકિટ આપશે કારણ કે ભાજપ કે કોંગ્રેસ એક બેઠક માટે થઈને આખા સમાજને નારાજ કરવાનું પસંદ કરશે નહીં.


Tags :