Get The App

વિસાવદર અને કડીમાં જાતિગત સમીકરણનો ખેલ: કડી બેઠક ભાજપ-કોંગ્રેસ માટે માથાનો દુ:ખાવો

Updated: May 29th, 2025

GS TEAM

Google News
Google News
વિસાવદર અને કડીમાં જાતિગત સમીકરણનો ખેલ: કડી બેઠક ભાજપ-કોંગ્રેસ માટે માથાનો દુ:ખાવો 1 - image


Gujarat By Elections: ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, જેમાં કડી બેઠક અને વિસાવદર બેઠક માટે ચૂંટણી થવાની છે. આ બંને બેઠક પર ઉમેદવારોને લઈને કડી બેઠક બંને મુખ્ય પાર્ટીઓ માટે માથાનો દુ:ખાવો બની છે. 

જાતિગત સમીકરણોને આધારે આપવામાં આવતી ગ્રામીણ વિસ્તારની ટિકિટોનું કોકડું કડી પેટા ચૂંટણીમાં વધુ ગૂંચવાયું છે. કડી બેઠક વર્ષ 2012માં અનુસૂચિત જાતિ અનામત બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસના રમેશ ચાવડા ભાજપના હીતુ કનોડિયાને હરાવી વિજયી બન્યા હતા. વર્ષ 2017માં ભાજપના સ્વ. કરશન સોલંકીએ કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય રમેશ ચાવડાને હરાવ્યા હતા અને વર્ષ 2022માં ભાજપે રિપીટ કરેલ સ્વ. કરશન સોલંકીએ કોંગ્રેસના પ્રવીણ પરમારને હરાવ્યા હતા. વર્ષ 2025ની શરૂઆતમાં સિટિંગ ધારાસભ્ય કરશન સોલંકીનું અકાળે અવસાન થતાં બેઠક ખાલી થઈ હતી, જેના માટે હવે ચૂંટણી જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતી લોક ગાયક કાજલ મહેરિયાએ કડી વિધાનસભા બેઠક માટે માગી ટિકિટ, જાણો શું કહ્યું

ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી મૂંઝવણમાં

ગુજરાતની બંને પ્રમુખ પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ મોટાભાગની ટિકિટોની વહેંચણી જાતિગત અને પેટા જાતિગત સમીકરણોને બેસાડીને જ કરે છે. જેમાં બંને પાર્ટીઓ ચોકસાઇ વર્તે છે કે કોઈ સમાજ નારાજ ન થઈ જાય અને રહી ન જાય. આ પૈકી અનુસૂચિત જાતિ માટે વિધાનસભામાં 13 બેઠકો અનામત છે. જેમાં વર્ષ 2022 ડિસેમ્બરના પરિણામોમાં 13 બેઠકોમાંથી 9 પુરુષ અને 4 મહિલા ધારાસભ્ય સભ્ય બન્યા હતા. જેમાં કોંગ્રેસના 2 અને ભાજપના 11, જેમાં ભાજપના 11માંથી 2 રોહિત સમાજના ધારાસભ્ય હતા અને 1 અતિ પછાત અને 8 વણકર સમાજના ધારાસભ્યો બન્યા હતા.

કડી અનામત બેઠક પર વર્ષ 2017માં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ રોહિત સમાજના ઉમેદવારને ટિકિટ આપી હતી અને વર્ષ 2022માં પણ બંને પાર્ટીએ રોહિત સમાજના ઉમેદવારને ટિકિટ આપી હતી. જેથી હવે પેટા ચૂંટણીમાં પણ પેટા જાતિ સમીકરણોને જોઈને બંને પાર્ટી આ જ રીતે ટિકિટ આપશે કારણ કે ભાજપ કે કોંગ્રેસ એક બેઠક માટે થઈને આખા સમાજને નારાજ કરવાનું પસંદ કરશે નહીં.

આ પણ વાંચો: ગુજરાતનાં પેટાચૂંટણીનો જંગ જામ્યો: વિસાવદરમાં ત્રણેય પક્ષોનું પાટીદાર કાર્ડ, કડીમાં કોંગ્રેસમાં ડખા

પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 87 જેટલા દાવેદારોએ કડી બેઠક માટે ભાજપમાંથી દાવેદારી કરી હતી, પરંતુ છેલ્લી ઘડીએ આશ્ચર્યચકિત રીતે સ્વ. કરશન સોલંકીને રિપીટ કરવામાં આવ્યા હતા.

કડી અને વિસાવદર બેઠક માટે 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે. આ અગાઉ હવે જ્યારે કડી બેઠક માટે ગાયક કાજલ મહેરિયા, સ્વ. કરશન સોલંકીના પુત્ર પિયુષ સોલંકી સહિત અન્ય દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી છે. જ્યારે કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા, પ્રવીણ પરમાર સહિત અન્ય દાવેદારોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે. ભાજપમાં જાતિગત સમીકરણ સહિત પક્ષના મોટા નેતાઓનો નિર્ણય માન્ય રહેશે, જ્યારે કોંગ્રેસમાં જાતિગત સમીકરણ સહિત લોબિંગ મહત્ત્વનો રોલ અદા કરશે.


Tags :