ધનસુરા- બાયડ હાઇવે પર અકસ્માત
અકસ્માતમાં કંથરઇના બે યુવકો રોડ પર પટકાયા, અન્ય યુવકને વાત્રક બાદ અમદાવાદ સારવાર માટે ખસેડાયો
ખેડા જિલ્લાના કંથરઈ ગામના જિગ્નેશસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણ (ઉ.વ.૨૬) અને મહિપતસિંહ વખતસિંહ પરમાર બંને જણા ઘરેથી બાઈક લઈ અંબાજી જવાનું કહી નીકળ્યા હતા. બાયડ-ધનસુરા હાઈવે રોડ ઉપરથી પસાર થઈ રહયા હતા. ત્યારે ધનસુરા નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે અને ગલફતભરી રીતે હંકારી બાઈકને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક રોડ ઉપર ફંગોળાઈ ગયું હતું. જેથી ચાલક અને બાઈક પાછળ બેસેલા બંને યુવકોે રોડ ઉપર પટકાતાં શરીરે ગંભીર ઈજા થઇ હતી. જેમાં જિગ્નેશસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જયારે મહિપતસિંહ પરમારને પગે ફેકચર થતાં વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા બાદ અમદાવાદ રિફર કરાયા હતા.
આ બનાવ અંગે મૃતકના ભાઈ દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણે ધનસુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.


