Gujarat

રાજકોટનો યુવક એક જ તરૂણીને ત્રીજી વાર ભગાડી ગયો

By GS TEAM
7 Nov 20252 mins read
રાજકોટનો યુવક એક જ તરૂણીને ત્રીજી વાર ભગાડી ગયો

પોલીસ પણ આશ્ચર્ય અને આઘાતમાં : બે-બે વખત પોક્સો અને દુષ્કર્મમાં જામીન પર છુટયા પછી પણ તરૂણીના પરિવારજનોને ધમકાવી કહેતો કે તમારી છોકરીનો પીછો નહીં છોડું

રાજકોટ, : શહેરની બી-ડિવિઝન પોલીસ પાસે એક અજીબો-ગરીબ કિસ્સો આવ્યો છે, જેને કારણે તેનો સ્ટાફ પણ ચોંકી ઉઠયો છે. ભગવતીપરાના જયપ્રકાશનગરમાં રહેતાં રોહિત ઉર્ફે રોહન મહેશ લોલાડીયા (ઉ.વ.આ.10) એક જ તરૂણીને ત્રીજી વખત ભગાડી ગયો હતો, જેને કારણે તેના વિરૂધ્ધ ત્રીજી વખત પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. 

રાજકોટ નહીં સૌરાષ્ટ્રમાં પણ કોઈ એક જ આરોપી સામે એક જ તરૂણીને ત્રણ-ત્રણ વખત ભગાડી જવા અંગે પોકસો હેઠળ નોંધાયેલો આ સંભવતઃ પ્રથમ કિસ્સો છે. બી-ડિવીઝન પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આરોપી રોહિત ઉર્ફે રોહન સૌ પ્રથમ વખત ગઈ તા.8-6-2024 ના રોજ તરૂણીને ભગાડી ગયો હતો. તે વખતે તેની સામે અપહરણ, દૂષ્કર્મ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યાર પછી ગઈ તા.26-9-2024ના રોજ તે તરૂણીને બીજી વખત ભગાડી જતાં ફરીથી તેના વિરૂધ્ધ અપહરણ, દૂષ્કર્મ અને પોકસો હેઠળ ગુનો નોંધાયો હતો. 

આ બે-બે ગુનામાં જામીન પર છુટયા બાદ તે ત્રીજી વખત પણ તરૂણીને તા. 16-7-2025ના રોજ ભગાડી ગયો હતો. 10 દિવસ બાદ તે તરૂણીને લઈને પરત આવ્યો હતો. આટલા દિવસો નવાગામમાં રહ્યો હતો. જો કે તરૂણીના પરિવારજનોએ અગાઉ બે-બે વખત ફરિયાદો કરી હોવાથી ત્રીજી વખત ફરિયાદ કરવાનું પણ ટાળ્યું હતું. 

તેની પાછળનું એક કારણ એવું પણ હતું કે આરોપી રોહિતની માતાએ તરૂણીના પરિવારજનોને હવે તેનો પુત્ર તેની પુત્રીનો પીછો નહીં કરે તેવી ખાત્રી આપી જવાબદારી લીધી હતી  પરંતુ આમ છતાં આરોપી રોહિતે પોલીસમાં ફરિયાદ કરીને શું કરી લીધું, હું તમારી છોકરીનો પીછો નહીં છોડું તેમ કહી ધાક-ધમકી આપવાનું ચાલુ રાખતાં આખરે તરૂણીના પરિવારજનોએ તેના વીરૂધ્ધ ત્રીજી વખત ફરિયાદ નોંધાવી છે. પોલીસ ત્રીજી વખત પણ અપહરણ અને પોકસોની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જો કે ત્રીજી વખત દૂષ્કર્મ નહીં થયાની માહિતી હાલ પોલીસને મળી છે.  આરોપી રોહિત ઉર્ફે રોહન ભાગી જતાં પોલીસે તેની શોધખોળ જારી રાખી છે. તે મૂળ સુરેન્દ્રનગરનો વતની છે.