ગલતેશ્વર ખાતેની મહીસાગર અને ગળતી નદીના પટમાં ભક્તોનું કીડીયારું ઉભરાયું

ખેડા, વડોદરા, ગાંધીનગર, પંચમહાલ સહિતના ભક્તોની હેલી
ધૂળેટીએ આશરે પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી ધન્યતા અનુભવી હતી
આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા નદીના પટમાં જ તંબુ બાંધીને કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. પોલીસની ટીમે ઊંડા પાણીના વહેણ પાસે દોરડા બાંધી નાહવા માટેની જગ્યા સીમિત કરી દીધી હતી. તેમજ નદીમાં બોટ, દોરડા, રબરની ટયુબ અને તરવૈયાઓની ટીમ સતત પેટ્રોલિંગમાં રહી હતી. માત્ર ખેડા જ નહીં, પરંતુ વડોદરા, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ, મોડાસા, હાલોલ અને ગોધરા સુધીના લોકો અહીં સ્નાન માટે આવ્યા હતા. લોકવાયકા મુજબ, મહીસાગરના પવિત્ર જળમાં સ્નાન કરવાથી થાક ઉતરી જાય છે, જેના કારણે છેલ્લા ચાર દિવસથી અહીં પ્રવાસીઓનો સતત પ્રવાહ જોવા મળ્યો હતો. ભારે ભીડને પગલે ઠાસરા-સેવાલીયા સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અંબાવ રેલવે ફાટક પાસે રોડ વચ્ચે દોરડા બાંધીને સેવાલીયા ટ્રાફિક પોલીસે વાહનોનું નિયંત્રણ કર્યું હતું. અંબાવ ફાટકથી ગળતેશ્વરના મુખ્ય દરવાજા સુધી ટ્રાફિક જામ હોવા છતાં, સતત પેટ્રોલિંગને કારણે કોઈ અકસ્માત સર્જાયો નહોતો.









