Gujarat

પિકઅપ ડાલામા ચોર ખાના બનાવી લવાતો વિદેશી દારૃનો જથ્થો પકડાયો

By GS TEAM
8 Mar 20262 mins read
પિકઅપ ડાલામા ચોર ખાના બનાવી લવાતો વિદેશી દારૃનો જથ્થો પકડાયો

ગાંધીનગર નજીક ચંદ્રાલા નાકા પાસે

રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ ઃ ચિલોડા પોલીસે ૪.૮૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો

ગાંધીનગર :  ચિલોડા પોલીસે ચંદ્રાલા નાકા પોઇન્ટ પાસેથી બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે રાજસ્થાનથી આવતા એક પિકઅપ ડાલાને આંતરીને તપાસ કરતાતેમાંથી ગુપ્ત રીતે છુપાવેલો વિદેશી દારૃ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. બે શખ્સોની ધરપકડ કરી ચિલોડા પોલીસે ૪.૮૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરીને આવા દારૃના જથ્થાને પકડી રહી છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા નાકા પોઇન્ટ ખાતે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, એક સફેદ કલરના પિકઅપ ડાલામાં વિદેશી દારૃનો જથ્થો ભરીને હિંમતનગર તરફથી ચિલોડા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે વોચ ગોઠવી શંકાસ્પદ ડાલાને ઉભું રાખ્યું હતું. પોલીસે જ્યારે ડાલાની તપાસ કરી ત્યારે ઉપરના ભાગે એક વિશેષ ચોર ખાનું બનાવેલું જોવા મળ્યું હતું. આ ખાનું ખોલતા તેમાંથી વિદેશી દારૃની ૯૪૮ બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. તેમાં સવાર રાજસ્થાનના પ્રકાશ પ્રેમલાલ પટેલ અને દિપક કૈલાશચંદ્ર કુમાવતની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે દારૃની હેરફેરી દરમિયાન પકડાઈ ન જવાય તે માટે વાહનની અસલ ઓળખ છુપાવી હતી. મૂળ નંબર પ્લેટ કાઢીને તેના બદલે ખેડા જિલ્લાના પાસિંગની નકલી નંબર પ્લેટ લગાવી હતી. પોલીસે કુલ ૪.૮૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.