Gujarat

નડિયાદના ચકલાસીના લક્ષ્મીપુરાની મહિલા સાથે શખ્સે દુષ્કર્મ ગુજાર્યું

By GS TEAM
30 Oct 20251 min read
નડિયાદના ચકલાસીના લક્ષ્મીપુરાની મહિલા સાથે શખ્સે દુષ્કર્મ ગુજાર્યું

મહિલાને સંબંધ રાખવા શખ્સ દબાણ કરતો હતો 

બાળકોને મારી નાખવાની ધમકી આપીને મહિલા પર બળજબરીથી કુકર્મ આચરતા શખ્સ સામે ફરિયાદ

નડિયાદ: નડિયાદ તાલુકાના ચકલાસી તાબેના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી મહિલાની એકલતાનો લાભ ઉઠાવી નરાધમે ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ અંગે મહિલાની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના ચકલાસી તાબેના લક્ષ્મીપુરા ભાટા તલાવડી વિસ્તારમાં ૩૫ વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. અને જીગ્નેશ કનુભાઈ વાઘેલાએ અગાઉ મહિલાને પોતાની સાથે સંબંધ રાખવા જણાવ્યું હતું. પરંતુ મહિલાએ તેને સંબંધ રાખવાની ના પાડી હતી. આ દરમિયાન તા.૧૯/૧૦/૨૫ ના રોજ તેનો પતિ નોકરી પર ગયો હતો જ્યારે સંતાનો દિવાળીના તહેવારો હોવાથી મોસાળમાં ગયા હતા. આ દરમિયાન રાત્રી સમયે મહિલા તેના ઘરે એકલી હતી તેની એકલતાનો લાભ ઉઠાવી જીગ્નેશ વાઘેલાએ મહિલાના ઘરમાં જઇ તેણીને સબંધ બાંધવા જણાવતા આનાકાની કરી હતી. જેથી હવસખોર નરાધમે તેના બાળકોને મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું તેમજ આ બનાવને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવથી હતપ્રત થઈ ગયેલી મહિલાએ તેની જેઠાણીને પોતાની સાથે થયેલી ઘટનાની સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે તેના પતિને જાણ કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર પીડીતાએ ચકલાસી પોલીસ મથક ફરિયાદ નોંધાવતા પોલીસે જીગ્નેશ કનુભાઈ વાઘેલા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.