Gujarat

પ્લાઝમા રિસર્ચના ટેકનીકલ ઓફિસરને રિક્ષામાં આવતી ઠગ ટોળકીનો ભેટો

By GS TEAM
11 Oct 20252 mins read
પ્લાઝમા રિસર્ચના ટેકનીકલ ઓફિસરને રિક્ષામાં આવતી ઠગ ટોળકીનો ભેટો

ભાઈજીપુરાથી પથિકાશ્રમ આવવા માટે નીકળેલા

રિક્ષામાં બેસાડીને અધવચ્ચે જ ઉતારી દઈ ૭૫ હજાર રૃપિયાનો મોબાઈલ સેરવી લીધો ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક રાયસણ ખાતે રહેતા અને પ્લાઝમા રિસર્ચ સેન્ટરમાં ટેકનિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવાનને રિક્ષામાં બેસાડીને ગઠિયાઓ દ્વારા ૭૫ હજાર રૃપિયાનો મોબાઇલ સેરવી લીધા બાદ અધવચ્ચે જ રસ્તામાં ઉતારી દેવામાં આવ્યો હતો. હાલ આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં મુસાફરોને રિક્ષામાં બેસાડીને તેમના કિંમતી માલ સામાનની ચોરી કરી લેતી ટોળકીનો તરખાટ વધી રહ્યો છે ત્યારે આ વખતે પ્લાઝમા રિસર્ચ સેન્ટરના ટેકનિકલ ઓફિસરને ટોળકી દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાયસણ ખાતે આવેલી શ્લોક રિવેરા સોસાયટીમાં રહેતા લક્ષ્ય સાવલિયાને વતન રાજકોટ જવાનું હોવાથી ભાજીપુરાથી પથિકાશ્રમ જવા માટે રિક્ષામાં બેઠા હતા. ત્યાંથી રિક્ષા થોડી આગળ વધીને કુડાસણ પાટિયા નજીક પહોંચી ત્યારે પાછળ બેઠેલા શખ્સોએ બેસતા ફાવતું નથી કહી લક્ષ્યને સીટમાં થોડા આગળ-પાછળ થવાનું જણાવ્યું હતું.

આ સમયે લક્ષ્યએ પોતાનો મોબાઈલ ફોન પેન્ટના પાછળના ખિસ્સામાં રાખ્યો હતો.બાદમાં કુડાસણ પાટિયા પાસે ગેંગ રિક્ષા ઉભી રાખી લક્ષ્યને નીચે ઉતારી દઈ ત્યાંથી ફરાર થઇ ગઇ હતી. રિક્ષામાંથી ઉતર્યા બાદ લક્ષ્યએ ખિસ્સામાં ફોન ચેક કરતા તે ગાયબ જણાયો હતો. બાદમાં રિક્ષામાં આસપાસ બેઠેલા છોકરાઓએ જગ્યા બદલવાના બહાને ફોનની ચોરી કરી લીધી હોવાનું તેને માલુમ પડયું હતું. આ ઘટનાના પગલે લક્ષ્યએ અન્ય એક બાઇકચાલકની મદદથી રિક્ષાનો પીછો પણ કર્યો હતો પરંતુ રિક્ષા મળી નહોતી. જેથી આ સંદર્ભે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને રીક્ષામાં આવેલી ઠગ ટોળકીને શોધવા દોડધામ શરૃ કરી છે.