Gujarat

વડોદરા ગામનો પરિવાર ફરવા ગયો ને તસ્કરોએ ઘરમાંથી પાંચ લાખ ચોરી લીધાં

By GS TEAM
31 Oct 20252 mins read
વડોદરા ગામનો પરિવાર ફરવા ગયો ને તસ્કરોએ ઘરમાંથી પાંચ લાખ ચોરી લીધાં

ગાંધીનગર નજીક આવેલા ડભોડા પંથકના

વહેલી પરોઢે ઘરના દરવાજાનો નકુચો તોડીને જમીન વેચાણ પેટે આવેલા રૃપિયા ચોરી લેતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે વડોદરા ગામમાં રહેતો પરિવાર સૌરાષ્ટ્રમાં ફરવા ગયો હતો તે દરમિયાન તેમના મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી પાંચ લાખ રૃપિયા રોકડા ચોરીને ફરાર થઈ ગયા હતા. જેથી આ સંદર્ભે હાલ ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર શહેરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ડભોડા પંથકના વડોદરા ગામમાં વધુ એક બંધ મકાનમાં ચોરીની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વડોદરા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સાગરજી મહોબતજી ઠાકોર તેમનું મકાન બંધ કરીને પરિવાર સાથે સૌરાષ્ટ્ર ફરવા માટે ગયા હતા. જ્યારે તેમના પિતા મકાનના ઉપરના માળે રહેતા હતા. આ દરમિયાન ગઈકાલે વહેલી સવારે તેઓ જુનાગઢ ખાતે હાજર હતા તે દરમિયાન તેમના પિતાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ વહેલી સવારે ત્રણ વાગે જાગ્યા ત્યારે તેમનું મકાન બંધ હતું પરંતુ સવારે પાંચ વાગ્યે જોયું ત્યારે મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો. જેથી ઘરમાં જઈને તપાસ કરતાં સામાન પણ અસ્તવ્યસ્ત હાલતમાં પડયો હતો લાકડાની પેટીમાં રાખવામાં આવેલા જમીન વેચાણના પાંચ લાખ રૃપિયા પણ થેલીમાંથી ચોરાઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ સંદર્ભે હાલ ડભોડા પોલીસ દ્વારા ચોરીનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.