Get The App

વડીલોપાર્જિત મિલકત પચાવી પાડવા માટે ખોટું પેઢીનામું બનાવ્યું

કાકા અને ફોઇને નિઃ સંતાન બતાવ્યા : નાયબ કલેક્ટરે નોંધ પ્રમાણિત થતી અટકાવી

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
વડીલોપાર્જિત મિલકત પચાવી પાડવા માટે ખોટું  પેઢીનામું બનાવ્યું 1 - image

 વડોદરા,ખોટું  પેઢીનામું બનાવી મિલકતમાં પોતાના નામ દાખલ કરાવી દેનાર પિતરાઇ ભાઇ સામે જ્વેલરી શોપના માલિકે વાડી  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હરણીરોડ વૃંદાવન ટાઉનશિપમાં રહેતા ભરતભાઇ રમણલાલ સોની અને  તેમના ભાઇઓ સંયુક્તરીતે કરોડિયા પોળમાં જ્વેલરીની દુકાન ચલાવે છે. તેમણે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા પિતાનું ૧૧ વર્ષ પહેલા અવસાન થયું છે. મારા દાદા પોપટલાલ ઉર્ફે ઓગળભાઇ દેવજીભાઇ સોનીની માલિકીનું એક મકાન સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ચુડા ગામે છે. વર્ષ - ૨૦૨૩ માં અમે મકાનનો વેરો ભરવા માટે ચુડા ગામે ગયા ત્યારે જાણ થઇ કે,આ મકાનની માલિકી અમારા કાકાના દીકરા ચંદ્રેશભાઇ પરસોત્તમભાઇ સોની તથા દિલીપભાઇ પરસોત્તમભાઇ સોનીની છે. જેથી, ગ્રામ પંચાયતે અમને વેરો ભરવા દીધો નહતો. ત્યારબાદ અમે ઘરે આવી ગયા હતા. અમારા દાદા અને દાદીએ અમને વારસામાં આપેલી મિલકત મહાલક્ષ્મી  મંદિરની સામે કુબેરભાઇચંદની પોળમાં આવેલી મિલકતની સિટિ સર્વેેની નકલ કઢાવતા અમને જાણ થઇ કે, ચંદ્રેશભાઇએ ૫૦ રૃપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામુ કરી અમારા દાદી  ચંચળબેન ચોક્સીનું  પેઢીનામું બનાવડાવ્યું છે. જેમાં મારા પિતા અને ફોઇને નિઃ સંતાન બતાવ્યા હતા. આ મિલકતમાં કચેરીના રેકર્ડ પર થયેલી નોંધ રદ્દ કરાવવા માટે નાયબ કલેક્ટર કચેરીમાં અરજી કરતા તેઓની નોંધ પ્રમાણિત કરવાનો નિર્ણય રદ્દ કરી નવેસરથી  પુરાવા મેળવી નોંધ દાખલ કરવા હુકમ થયો હતો.