રીંગણા લેને દસ બાર જેવો નિર્ણય, થલતેજમાં ૨૨૫ કરોડના પ્લોટ વગર ભાડે નર્સરીના નામે પધરાવી દેવાયા

અમદાવાદ,મંગળવાર,10
માર્ચ,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ-૨૦૨૧થી ૨૬ સુધીની
ટર્મ પુરી થઈ ગઈ છે.ટર્મ પુરી થવાના છેલ્લા કેટલાક દિવસોમાં તો મળતીયા
કોન્ટ્રાકટરોને ફાયદો કરાવવાની
શાસકપક્ષમાં રીતસરની હોડ લાગી હતી.થલતેજ વોર્ડમાં જયાં જમીનનો ભાવ વારે
અઢીલાખ સુધીનો ચાલે છે.તેવા પોશ એરીયામાં કોર્પોરેશનના અંદાજે રુપિયા ૨૨૫ કરોડની
કિંમતના બે પ્લોટ નર્સરી બનાવવાના નામે વગર ભાડે દસ વર્ષ માટે પધરાવી દેવાયા
છે.નોંધપાત્ર બાબત તો એ છે કે,
કોર્પોરેશનની તિજોરીને મોટુ નુકસાન થતુ હોવાનુ ધ્યાનમાં આવ્યા પછી પણ
રિક્રીએશન કમિટી દ્વારા મંજૂર કરાયેલી આ દરખાસ્તનો ભાજપ તો ઠીક પણ કોંગ્રેસ તરફથી
પણ કોઈએ વિરોધ ના કર્યો.
કોર્પોરેશનની કોઈપણ સબ કમિટીની બેઠક મળવાની હોય તે અગાઉ
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસકપક્ષના નેતાને ત્યાં એજન્ડા બેઠક મળતી હતી.થલતેજ
વોર્ડમાં આવેલી ટી.પી.સ્કીમ નંબર-૩૭ના ફાઈનલ પ્લોટ નંબર-૨૦૬ની ૮૮૨૧ ચોરસમીટરનો
પ્લોટ ફ્રેસ બ્લૂમ નર્સરીને તથા ટી.પી.સ્કીમ નંબર-૩૯ના ફાઈનલ પ્લોટ નંબર-૫૩ની
અંદાજે ત્રણથી પાંચ હજાર ચોરસ યાર્ડ જગ્યા દસ- દસ માટે વગર ભાડે પધરાવાની
દરખાસ્ત જે મંજૂર કરાઈ તેમાં શાસકપક્ષના
નેતાથી લઈ તમામની મૂકસંમતિ હશે જ તેમ માનવુ પડે.આઘાતજનક બાબત તો એ છે કે, પબ્લિકપ્રાઈવેટ
પાર્ટનર્શીપના નામે જે ખેલ ખેલવામા આવ્યો છે તેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈ
મોટો લાભ થવાનો જ નથી.પાર્કિંગ સ્પેસ પણ વાર્ષિક અપસેટ વેલ્યુ સાથે આપનારા
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધીશો અને તંત્રના અધિકારીઓએ દસ વર્ષ સુધી આ બંને
એજન્સીઓ પાસેથી કોઈ ભાડુ જ ન લેવા ઉપરાંત જે
પ્રમાણે શરતો નકકી કરાઈ છે તેમા કોર્પોરેશનની તિજોરીને જ નુકસાન પહોંચાડવાનુ જ કામ
કર્યુ છે.સવાલ એ છે કે, આટલી
ગંભીર બાબત હોવા છતાં ના તો મેયર,ડેપ્યુટી
મેયર,સ્ટેન્ડિંગ
કમિટી ચેરમેન કે પછી શાસકપક્ષ ,વિપક્ષનેતા
એ વિરોધ ના કર્યો.
કોર્પોરેશનને દરખાસ્ત મંજૂર કરવાથી શું નુકસાન થશે?
-દસ વર્ષ
સુધી ભાડા પેટે એકપણ રુપિયો નહીં મળે.
-દસ વર્ષ
સુધી ઉત્પાદનના ૨૫ ટકા છોડથી વધુ છોડ નહીં મળે.
-એજન્સીને
ત્રણ હજાર વાર જગ્યા આપવી કે પાંચ હજાર ભવિષ્યમાં ઈચ્છા મુજબ બદલાશે.
-દસ વર્ષ
પછી આ બંને પ્લોટની કિંમત આકાશને આંબશે છતાં કોર્પોરેશનને કાંઈ નહીં મળે.
-કોર્પોરેશન
જો ૨૫ ટકા રોપા આ નર્સરીઓ પાસેથી ના લે તો નર્સરીઓ તે રોપાં
માર્કેટમાં વેચીને કમાણી કરી શકશે.
-નેબારી
બોન્સાઈ ગેલેરી હિના મનન જરીવાલા તથા ફ્રેશબ્લૂમ નર્સરીને હાઈટેક સ્માર્ટ નર્સરી
માટે દસ વર્ષ માટે પધરાવાયેલી જગ્યા દસ વર્ષ પછી પણ તેની સમયમર્યાદા વધારી શકાશે
એવી શરત શાસકોએ કોના ઈશારે ચૂપચાપ મંજૂર કરી દીધી એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.








