Gujarat

જહાંગીરપુરા વિસ્તારની ઘટના: પાંચ સંતાનના પિતાએ 13 વર્ષની તરૂણી ઉપર સાત મહિના સુધી દુષ્કર્મ, ગર્ભ રહેતા ભાંડો ફૂટયો

By GS Team
30 Jan 20243 mins read
This article was originally published on 30 Jan 2024
જહાંગીરપુરા વિસ્તારની ઘટના: પાંચ સંતાનના પિતાએ 13 વર્ષની તરૂણી ઉપર સાત મહિના સુધી દુષ્કર્મ, ગર્ભ રહેતા ભાંડો ફૂટયો




- પાર્કીગમાં રમી રહેલી તરૂણીને ઘરમાં બોલાવી આંધળો પાટો રમવાનું કહી શારિરીક અડપલા અને બિભત્સ ક્લીપ બતાવી હવસ સંતોષીઃ તરૂણી રડવા લાગતા 100 રૂપિયા આપ્યા અને પથારીવશ પિતાને ઘરની બહાર કાઢી મારી નાંખવાની ધમકી આપી
- સમયાંતરે પત્ની અને સંતાનને શાકભાજી વેચવા મોકલી તરૂણીની બહેનપણી હસ્તક ઘરે બોલાવી કુકર્મ કરતો હતો



સુરત

જહાંગીરપુરા વિસ્તારના આવાસમાં રહેતી ધો. 8 માં અભ્યાસ કરતી 13 વર્ષીય તરૂણીને કોઇને કહેશે તો પેરાલીસીસના કારણે પથારીવશ પિતાને ઘરમાંથી બહાર કાઢી મારી નાંખવા ઉપરાંત 50-100 રૂપિયા આપી છેલ્લા સાતેક મહિનાથી દુષ્કર્મ આચરનાર પાંચ સંતાનના હવસખોર નરાધમ પિતાની તરૂણીને ગર્ભ રહી જતા ભાંડો ફૂટયો છે. પોલીસે નરાધમની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.


જહાંગીરપુરા વિસ્તારના આવાસમાં રહેતી શ્રમજીવી પરિવારની ધો. 8 માં અભ્યાસ કરતી 13 વર્ષીય તરૂણીને ગત રાતે અચાનક ઉલ્ટી થવાની સાથે પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો. જેથી પેરાલીસીસના કારણે પથારીવશ તેના પિતા તથા માતા ચોંકી ગયા હતા અને તુરંત જ તરૂણીને તેની માતા નજીકમાં ડોક્ટરને ત્યાં લઇ ગયા હતા. જયાં ડોક્ટરે તરૂણી ગર્ભવતી હોવાનું અને તેના કારણે દુખાવો થતો હોવાનું જણાવતા માતા ચોંકી ગઇ હતી. માતાએ તરૂણીને વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી આવાસમાં જ રહેતા પડોશી પઠાણ આલમગીર મીયા અલીફખાન (ઉ.વ. 38) દુષ્કર્મ કરતો હોવાની ચોંકાવનારી કબૂલાત કરતા માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. તરૂણીએ રડતા રડતા માતાને જણાવ્યું હતું કે સાત-આઠ મહિના અગાઉ રહેણાંક આવાસના પાર્કીંગમાં તેઓ રમી રહ્યા હતા ત્યારે આલમગીર પોતાના ઘરમાં લઇ ગયો હતો જયાં આંધળો પાટો રમવાનું કહી આંખ ઉપર પાટો બાંધી દીધો હતો.


ત્યાર બાદ શારિરીક અડપલા કરવાની સાથે મોબાઇલમાં શરૂઆતમાં ગેમ અને ત્યાર બાદ બિભત્સ વિડીયો બતાવી દુષ્કર્મ કર્યુ હતું. ગુપ્તાંગમાં દુખાવાના કારણે પોતે રડવા લાગતા આલમગીરે 100 રૂપિયા આપ્યા હતા અને કોઇને કહેશે તો પથારીવશ તારા પિતાને ઘરમાંથી બહાર કાઢી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જેથી તરૂણી ડરી ગઇ હતી પરંતુ ત્યાર બાદ આલમગીર સમયાંતરે પોતાની હવસનો શિકાર બનાવતો હતો. તરૂણી જયારે પણ પાર્કીંગમાં રમવા જાય ત્યારે તેની બહેનપણી હસ્તક તેણીને બોલાવી 50-100 રૂપિયા આપી દુષ્કર્મ કરતો હતો અને તેના થકી ગર્ભ રહ્યો છે. જેથી માતાએ આ અંગે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આલમગીરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

તરૂણીને ગર્ભવતી બનાવનાર પાંચ પુત્ર અને એક પુત્રીનો પિતા


આલમગીરે કબૂલાત કરી છે કે પોતે શાકભાજીનો ધંધો કરે છે અને ચાર પુત્ર તથા એક પુત્રીનો પિતા છે. જયારે પણ તરૂણીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો ત્યારે કોઇકને કોઇક બહાના હેઠળ પત્ની સાથે શાકભાજી વેચવા જતો ન હતો અને પાંચેય સંતાનને પત્ની સાથે મોકલી આપી તરૂણીને ઘરે બોલાવી કુકર્મ કરતો હતો. ઉલ્લેખનીય છે કે હવસનો શિકાર બનાવી 50-100 રૂપિયા આપી પિતાને મારી નાંખવાની ધમકી આપનારના મોબાઇલમાં બિભત્સ વિડીયો ક્લીપ મળી છે ઉપરાંત અન્ય તરૂણીને પણ નિશાન બનાવ્યાની આશંકા સેવાય રહી છે.