Gujarat

વાદળો વરસે કે ન વરસે પણ આજથી આકાશમાં એક મહિનો ઉલ્કાવર્ષા, પ્રતિ કલાકે સર્જાશે અદ્ભુત ઘટના

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
આ જુલાઈના અંતમાં આકાશી નજારો જોવા મળશે. 18 જુલાઈથી 21 ઑગસ્ટ સુધી 'ડેલ્ટા-એકવેરીફુસ' ઉલ્કાવર્ષા શરૂ થઈ રહી છે. 29, 30 અને 31 જુલાઈએ તે ચરમસીમા પર હશે, જે રાત્રિના આકાશને ઝળહળતું કરશે. પૃથ્વી ધૂમકેતુના અવશેષોમાંથી પસાર થતાં કણો વાતાવરણમાં સળગીને પ્રકાશિત લીસોટા બનાવે છે. નિષ્ણાતો મુજબ, પ્રતિ કલાક 15-20 ઉલ્કાઓ જોવા મળશે. મધ્યરાત્રિ પછી શહેરના પ્રદૂષણથી દૂર નરી આંખે આ અદ્ભુત દૃશ્ય માણી શકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાદળો વરસે કે ન વરસે પણ આજથી આકાશમાં એક મહિનો ઉલ્કાવર્ષા, પ્રતિ કલાકે સર્જાશે અદ્ભુત ઘટના

Delta Aquariids meteor shower 2026: ચાલુ જુલાઈ મહિનાના અંતમાં આકાશમાં એક અદ્ભુત અવકાશી નજારો જોવા મળવાનો છે. તા. 18 જુલાઈ એટલે કે આજથી વિશ્વભરમાં 'ડેલ્ટા-એકવેરીફુસ' ઉલ્કાવર્ષાની શરૂઆત થઈ રહી છે, જે 21 ઓગસ્ટ સુધી ચાલશે. ખાસ કરીને 29, 30 અને 31 જુલાઈના રોજ આ ઉલ્કાવર્ષા તેની ચરમસીમા પર હશે, જે રાત્રિના સમયે આકાશને એક અદ્ભુત પ્રકાશથી ઝળહળતું કરી દેશે.

શું છે આ 'ઉલ્કાવર્ષા' કે 'ફાયરબોલ'?

જ્યારે પૃથ્વી પોતાની ભ્રમણકક્ષામાં ફરતી વખતે ધૂમકેતુઓ દ્વારા પાછળ છોડવામાં આવેલા અવશેષો અને ધૂળના રજકણોના વાદળમાંથી પસાર થાય છે, ત્યારે આ કણો પૃથ્વીના વાતાવરણમાં પ્રચંડ વેગ (આશરે 30 કિમી પ્રતિ સેકન્ડ) સાથે પ્રવેશ કરે છે. વાતાવરણના વાયુઓ સાથેના ઘર્ષણને કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને આકાશમાં પ્રકાશિત લીસોટા રૂપે જોવા મળે છે, જેને આપણે 'ઉલ્કાવર્ષા' કે 'ફાયરબોલ' કહીએ છીએ.

પ્રતિ કલાક 15થી 20 ઉલ્કાઓ જોવાનો લહાવો

નિષ્ણાતોના મતે, આજથી એક મહિના સુધી સ્વચ્છ આકાશમાં પ્રતિ કલાક 15થી 20 ઉલ્કાઓ પડતી જોવા મળી શકે છે. પૃથ્વી પર દરરોજની આશરે 40 ટન જેટલી ઉલ્કા પ્રવેશતી હોય છે મોટાભાગની ઉલ્કા આ વાતાવરણમાં જ સળગીને રાખ થઈ જાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી પર અત્યાર સુધીમાં આ ઉલ્કાઓની રાખનો એક ઇંચથી વધુ જાડો થર જમા થઈ ગયો છે, જેમાં લોખંડ અને નિકલ જેવા તત્ત્વોની હાજરી હોય છે.

ક્યારે અને કેવી રીતે ઉલ્કાવર્ષાનો નજારો જોશો

શ્રેષ્ઠ સમય: મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢ સુધીનો સમય આકાશમાં ખરતી ઉલ્કાવર્ષાનો નજારો માણવા માટે સૌથી ઉત્તમ છે.

ક્યાં જોવી: ઉલ્કાવર્ષા જોવા માટે શહેરના પ્રદૂષણ અને પ્રકાશથી દૂર હોય તેવી નિર્જન, દરિયાઈ કિનારા કે પર્વતીય જગ્યાઓ પસંદ કરવી જોઈએ..

કેવી રીતે જોવી: આ માટે કોઈપણ ખાસ સાધન કે ટેલિસ્કોપની જરૂર નથી, તમે તેને નરી આંખે પણ સ્પષ્ટ જોઈ શકો છો. જોકે, વધુ સારી રીતે અવલોકન કરવા માટે 10-50ના મેગ્નિફિકેશન વાળા દૂરબીનનો ઉપયોગ કરી શકાય છે.

અવરોધ: આકાશ એકદમ સ્વચ્છ હોવું જરૂરી છે. વાદળછાયું વાતાવરણ કે વરસાદી માહોલ આ નજારામાં અવરોધરૂપ બની શકે છે.