Get The App

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર બે બાઈક સામસામે ટકરાઈ જતાં એક બાઈક સવાર 65 વર્ષના બુઝુર્ગનો ભોગ લેવાયો

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર બે બાઈક સામસામે ટકરાઈ જતાં એક બાઈક સવાર 65 વર્ષના બુઝુર્ગનો ભોગ લેવાયો 1 - image

Jamnagar Accident : જામનગર તાલુકાના રવાણી ખીજડીયા ગામ નજીક બેફામ અને બેફિકરાઈપૂર્વક બાઈક ચલાવનાર ચાલકે અન્ય બાઈકને ઠોકર મારતાં એક બાઇક સવાર રવાણી ખીજડિયા ગામના વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પંચ એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, રવાણી ખીજડીયા ગામના રહીશ હિતેશસિંહ ચંદુભા જાડેજાએ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ અનુસાર તેમના પિતા ચંદુભા જાડેજા (ઉ.વ. 65) હોન્ડા કંપનીનું જી.જે 10 ઇ.જે. 1477 નંબરનું મોટરસાયકલ લઈને કામસર ઘ્રોલ ગામે ગયા હતા, અને પરત ઘરે ફરી રહ્યા હતા. તે દરમિયાન તા.15/04/2026ના રોજ રાત્રે અંદાજે સાડા નવ વાગ્યાની આસપાસ રવાણી ખીજડીયા ગામની ઘારથી આગળ મેલડીમાના મંદિર પાસે પહોંચતા આરોપી પરેશ દેવાભાઈ બાંભવાએ પોતાનું મોટરસાયકલ પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક હંકારી ચંદુભા જાડેજાના બાઈક સાથે અથડામણ કરી હતી.

આ અકસ્માતમાં ચંદુભા જાડેજા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને માથા, કપાળ તથા શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે જામનગરની સિવિલ જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પંચ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 281, 125(એ), 125(બી), 106(1) તેમજ એમ.વી.એક્ટ કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.