ગાંધીનગર જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન

એસઆઇઆર અંતર્ગત ફોર્મ સ્વિકાર્ર્યા બાદ મેપિંગ સાથે
ગાંધીનગર ઉત્તરમાં સૌથી ઓછી ૫૧ ટકા, દક્ષિણ અને માણસામાં ૫૬ ટકા જ્યારે કલોલમાં ૬૦ તથા દહેગામમાં ૬૧ ટકા કામગીરી
ગાંધીનગર જિલ્લાના દહેગામ વિધાનસભા વિસ્તારમાં કુલ ૨.૨૯ લાખ
જેટલા મતદારો છે ત્યારે અહીં ૧.૪૦ લાખ જેટલા એટલે કે, ૬૧.૦૧ ટકા જેટલા
મતદારોના ગણતરી ફોર્મ ભરાઇને પરત આવ્યા છે. આ પરત આવેલા ફોર્મને અપલોડ પણ કરી
દેવામાં આવ્યા છે. આવી જ રીતે ગાંધીનગર દક્ષિણની બેઠકમાં કુલ ૪.૦૭ લાખ મતદારો પૈકી
૨.૩૧ લાખ જેટલા એટલે કે, ૫૬.૭૬
ટકા ફોર્મ પરત આવતા તેને અપલોડ કરવામાં આવ્યા છે. ગાંધીનગર ઉત્તર બેઠકના કુલ ૨.૫૫
લાખથી વધુ મતદારો પૈકી ૧.૩૧ લાખ જેટલા ફોર્મ અપલોડ કરવામાં આવ્યા છે.એટલે કે, અપલોડની ૫૧.૨૨
ટકા જેટલી કામગીરી થઇ છે તેમ કહી શકાય.ડિજીટલાઇઝેશનની આ કામગીરી ગાંધીનગર ઉત્તરની
બેઠકમાં સૌથી ઓછી થઇ હોવાનું અત્યાર સુધીમાં સામે આવી રહ્યું છે.
માણસાના ૨.૪૨ લાખ મતદારો પૈકી ૫૬.૪૩ ટકા એટલે કે,૧.૩૬ લાખ જેટલા
ફોર્મ બીએલઓ મારફતે અપલોડ કરવામાં આવ્યા છે. જ્યારે કલોલ વિધાનસભા મતવિસ્તારમાં
કુલ ૨.૫૪ લાખ મતદારોની સંખ્યા છે. જે પૈકી મોટાભાગના મતદારોના ઘરે ઘરે જઇને ફોર્મ
પહોંચાડવામાં આવ્યા છે જેમાંથી ૧.૫૧ લાખ એટલે કે, ૬૦.૧૮ ટકા ફોર્મ પરત આવતા તેને અપલોડ કરવામાં આવ્યા
છે.ગાંધીનગર જિલ્લાની આ પાંચેય વિધાનસભા બેઠકમાં થઇને કુલ ૫૭.૧ ટકા ફોર્મ એટલે કે,૭.૯૨ લાખ જેટલા
મતદારોના ફોર્મ મંગળવાર બપોર સુધીમાં અપલોડ થયા છે.ઉલ્લેખનીય છે કે, આગામી તા.૪
ડિસેમ્બર સુધી ફોર્મ પરત લેવાની કામગીરી કરવામાં આવશે.








