Food Poisoning Incident In Bhuj: ભુજમાં પાણીપુરી ખાધા બાદ 35થી વધુ લોકોની અચાનક તબિયત લથડી હતી. આ પછી તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગની ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.
ભુજમાં પાણીપુરી ખાધા બાદ 35થી વધુ લોકોની તબિયત લથડી
મળતી માહિતી મુજબ, ભુજ તાલુકાના લોડાઈ ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. ગામમાં પાણીપુરી ખાધા બાદ 35થી વધુને લોકોને ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવો ઉપડ્યો હોવાનું જણાય છે. અચાનક તબિયત લથડતાં બાળકો, મહિલા સહિતના અસરગ્રસ્તોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જો કે, હાલ તમામ અસરગ્રસ્તોની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે.

ફૂડ પોઈઝનિંગની ઘટનાને લઈને ગામના સરપંચે જણાવ્યું હતું કે, 'તકેદારીના ભાગરૂપે ગામમાં ખાણીપીણીની દુકાનો-લારીઓ બંધ કરવામાં આવી છે.' ઘટના બાદ પાણીપુરીની લારી ચલાવતો શખસ ગામમાંથી નાસી ગયો હોવાનું સામે આવ્યું છે.
આરોગ્ય અધિકારીએ શું કહ્યું?
જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતુ કે, 'ફૂડ પોઈઝનિંગના કેસ સામે આવતા આરોગ્યની ટીમ ગામમાં પહોંચી હતી અને ડોર ટુ ડોર 225 ઘરોમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. અસરગ્રસ્તોમાં 20થી પુરુષ અને 16થી વધુ મહિલાનો સમાવેશ થાય છે.' સમગ્ર મામલે ફૂડ વિભાગની ટીમે પાણીપુરીના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


